મધ્ય પ્રદેશના કિશોરને અંજાર બોલાવી છ લાખ પડાવી લેવાયા

copy image

copy image

મધ્યપ્રદેશ ઈન્દોરના એક કિશોરને એકના ત્રણ લાખ કરી આપવાની લાલચ આપી અંજાર બોલાવી તેની પાસેથી રૂા. 6 લાખ પડાવી લઈ આ કિશોરને બંધક બનાવી દેવાના બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. મધ્ય પ્રદેશના ઈન્દોરમાં રહેતા દેવાંશ વિનોદ સુગવાણી (સિંધી)ની ફેસબુક ઉપર કાર્તિક પટેલ નામના શખ્સ સાથે મિત્રતા થતાં આ શખ્સે એકના ત્રણ લાખ કરવા હોય તો અંજારમાં યોજના ચાલુ હોવાનું કહ્યું હતું. આ કિશોર લાલચમાં આવી જતાં મિત્ર પાસેથી ત્રણ લાખ એકત્ર કરી અંજાર આવ્યો હતો. જ્યાં કાર્તિક પટેલ, મનોજ પટેલ નામ ધારણ કરનારા શખ્સોએ વધુ ત્રણ લાખ મંગાવ નહીં તો જાનથી જશો તેવી ધમકી આપતા ભોગ બનનારે મિત્રો પાસેથી વધુ ત્રણ લાખ આંગડીયા મારફતે મગાવ્યા હતા. કિશોરે બાદમાં પોતાના પૈસા પરત આપવા માંગ કરતા તેને રૂમમાં પૂરી દઈને તેને બંધક બનાવાયો હતો. આ કિશોર ગમે તેમ કરી પોતાના ઘરે પોતાની માતા પુનમબેનને ફોન કર્યો હતો. જેથી ફરિયાદી પુનમબેન અંજાર મદીના નગરમાં દોડી આવ્યા હતા. જ્યાંથી તેમને પરત ગાંધીધામ રેલવે મથકે જવાનું સુલેમાન બાધા નામના શખ્સે કહ્યું હતું. મહિલા ગાંધીધામ રેલવે મથકે પહોંચતા તેમના દીકરા દિવાંશને મુક્ત કરાયો હતો. માતા-પુત્ર ભચાઉ એક હોટલે નાસ્તો કરવા ઊભા રહેતા આ કિશોર ખૂબ તાણમાં જણાયો હતો અને થોડીવાર માટે ગુમ થયો હતો. બનાવ અંગે મહિલાએ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરી પરત અંજાર આવતા હતા ત્યારે કિશોરે ઝેરી ગોળીઓ ખાઈ લેતાં તેને સારવાર અર્થે લઈ જવાયો હતો. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી ચારેય આરોપીને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.