અમરેલીના ખેડૂતને ગાડી વેચી છેતરપિંડી કરાતાં ગાંધીધામના પિતા-પુત્ર સામે પોલીસ ફરિયાદ

copy image

copy image

અમરેલી-રાજુલાના ખેડૂતને બે વાહન વેચી દઈ બાદમાં તે જ વાહનોની ખોટી નંબર પ્લેટ કચ્છમાં લગાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરાતાં ગાંધીધામના પિતા-પુત્ર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. અમરેલીમાં રહી ખેતીકામ કરનારા ફરિયાદી પ્રતાપ ભીખા રામ (આહીર)ને બે વર્ષ પહેલાં ગાડી લેવાની હોવાથી પોતાના પરિચિત ગાંધીધામના અગ્રવાલ કાર્ગો મૂવર્સના માલિક પ્રદીપ ફકીરચંદ બંસલ તથા તેના દીકરા અંકુર પ્રદીપ બંસલને વાત કરી હતી. આરોપીઓએ પોતાને જ  વાહન વેચવા હોવાની વાત કરી હતી અને ગાડી નંબર જી.જે.-12-એઝેડ-4852 તથા જી.જે.-12-એઝેડ-4853 ફરિયાદી તથા તેમના ભાઈ શિવાભાઈને રૂા. 25 લાખમાં વેચી હતી. આ વાહનો ફરિયાદી પિપાવાવ પોર્ટમાં ચલાવતા હતા,  ત્યારથી કયારેય કચ્છમાં આવી નથી તેમ છતાં વારંવાર ટોલ કપાતો હતો, ફરિયાદીએ 70 હજાર ટોલના ભરી પણ નાખ્યા હતા. તેમના હસ્તકની ગાડીની નંબર પ્લેટ કચ્છમાં કોણ ચલાવે છે તે તપાસ કરવા આવતાં આ પિતા-પુત્ર પ્રદીપ ફકીરચંદ બંસલ તથા અંકુર પ્રદીપ બંસલે ફરિયાદીની ગાડીઓની ખોટી નંબર પ્લેટ (ખોટા દસ્તાવેજ) બનાવી બીજી ગાડીમાં આ નંબર પ્લેટ લગાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી સરકારના જાહેર રજિસ્ટર સાથે છેડછાડ કરી આ નંબર પ્લેટ ખોટી હોવાનું જાણવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કરાયો હતો. અંજાર પોલીસે આ પિતા – પુત્ર વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.