ગાંધીધામમાં હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદ

copy image

copy image

ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તારમાં પોતાની પત્નીને બળજબરીપૂર્વક ફિનાઈલ પીવડાવી હત્યાના પ્રકરણમાં શખ્સને આજીવન કેદનો ધાક બેસાડતો ચુકાદો આપવામાં આવ્યો હતો. ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તારમાં આઠ વર્ષ પહેલાં આ ચકચારી બનાવ બન્યો હતો. આરોપી રમેશ ડાયા ધુવા નામનો શખ્સ પોતાની પત્ની સાથે વારંવાર ઘરકામ બાબતે ઝઘડો કરતો હતો, ગત તા. 4/4/2016ના આ શખ્સે હંસાબેન (ઉ.વ.32)નું નાક દબાવી બળજબરીપૂર્વક તેમને ફિનાઈલ પીવડાવી દીધું હતું, જેમાં આ મહિલાને સારવાર અર્થે લઈ જવાયા હતા. સારવાર દરમ્યાન મહિલાએ છેલ્લા શ્વાસ લેતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો, જે અંગે મહિલાના પિતાએ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરાઈ તેના વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસ અહીંના ચોથા અધિક સેશન્સ જજની કોર્ટમાં ચાલી ગયો હતો, જ્યાં બન્ને પક્ષોને સાંભળ્યા બાદ ન્યાયાધીશ એ. એમ. મેમણે સરકાર તરફના સાહેદો, દસ્તાવેજી આધાર-પુરાવાઓને ગ્રાહ્ય રાખી આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો અને હત્યાની કલમો હેઠળ  રમેશ ધુવાને આજીવન કેદની સજા તથા રૂા. 5000નો દંડ ફટકાર્યો હતો તેમજ દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ મહિનાની કેદનો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મહેન્દ્રસિંહ જાડેજાએ હાજર રહી દલીલો કરી હત હતી.