ગાંધીધામમાં યુવાનના અપહરણની કોશિશ કરાતાં પોલીસ ફરિયાદ
copy image

ગાંધીધામના ઇફકોની સામે શો-રૂમમાં રાખેલ ગાડીના રિપેરિંગના ખર્ચ મુદ્દે ત્રણ શખ્સોએ યુવાનનું અપહરણ કરવાની કોશિશ કરી બાદમાં છુટ્ટા પથ્થર વડે હુમલો કર્યો હતો. ગાંધીધામના સુભાષનગર વિસ્તારમાં રહેનાર ફરિયાદી સંદીપ દિનેશ ઠક્કર ઇફકોની સામે ટોર્ક કોમર્શિયલ વ્હીકલ પ્રા. લિમિટેડ નામનો શો રૂમ ચલાવે છે. સાંજના અરસામાં ફરિયાદી આદિપુર હતા ત્યારે પહેલા તેમના સ્ટાફે ફોન કરી રિપેરિંગમાં આવેલી ગાડી માટે આવેલા લોકો તમને મળવા માગે છે કહી બાદમાં અજાણ્યા શખ્સે ફોન કરી મળવાનું કહ્યું હતું. ફરિયાદી પોતાના શો રૂમ ઉપર ગયા બાદ સ્વીટફ કારમાં આવેલા શખ્સોએ ફરિયાદીને બહાર બોલાવી બળજબરીપૂર્વક તેમનું અપહરણ કરવાની કોશિશ કરી હતી, તેવામાં ફરિયાદીના ભાઇ અને શો રૂમનો સ્ટાફ ત્યાં આવી જતાં આ શખ્સોએ રબ્બર વડે તથા છુટ્ટા પથ્થર વડે ફરિયાદી અને તેમના ભાઇને માર મારી ત્યાંથી નાસી ગયા હતા. સાંજના અરસામાં બનેલા આ બનાવ અંગે પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.