વસો તાલુકાનાં રામોલ-મિત્રાલ રસ્તા પર આવેલ મિરા ફેક્ટરીની પાસે એક એક આઇશરે મોટરસાઈકલ ચાલકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઘાયલ યુવકનું મૃત્યુ નીપજયું હતું. આ બાબતે મળતી વિગતો પ્રમાણે આણંદ નગરપાલિકા સામે રહેતા વિરલભાઈ ગોપાલભાઈ માલવી પોતાની મોટરસાઇકલ નંબર એમએચ 37 એક્સ 1997 લઈ સવારના અરસામાં રામોલ-મિત્રાલ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન મીરા ફેક્ટરી પાસે રસ્તા પર પુરપાટ ઝડપે આવી રહેલ આઇશરે ગાડી નંબર જીજે 16 વી 3301એ વિરલભાઈની મોટરસાઇકલને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વિરલભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેના પગલે તેનું મૃત્યુ નીપજયું હતું. આ ઘટના અંગે મરનારના પિતા ગોપાલભાઈ રતનભાઈ માલવીની ફરિયાદને આધારે વસો પોલીસે આઈશરના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.