ભચાઉમાં પ્રધાનમંત્રી યોજનાં નામે બે મહિલા સાથે 2.10 લાખની ઠગાઇ

copy image

copy image

ભચાઉમાં પ્રધાનમંત્રી યોજનામાંથી કરિયાણું અને ગેસનો બાટલો અપાવવાની લાલચે અજાણી મહિલા બે મહિલા સાથે રૂા. 2.10 લાખની છેતરપિંડી કરી હોવાનો મામલો પોલીસ મથકે  નોંધાયો હતો. ભચાઉ તાલુકાના વાંઢિયા ગામમાં રહેતા ધનીબેન બાલાભાઈ અખાઈભાઈ રાવરિયાએ  અજાણી 50થી 55 વર્ષની મહિલા સામે ગુનો નોંધાવ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ફરિયાદી સામખિયાળી બસ સ્ટેશન બેઠા  હતા, તે સમયે આરોપીના સંપર્કમાં આવ્યા હતા. આ સમયે   તેમણે પ્રધાનમંત્રી યોજનામાં કરિયાણાની કિટ અને ગેસનો બાટલો અપાવવાની વાત કરી  હતી. દરમ્યાન મહિલા આરોપી ગત તા. 15/8ના  બપોરના  અરસામાં  ફરિયાદીનાં ઘરે આવ્યા હતા. ફરિયાદી અને તેમના જેઠાણીને કિટ લેવાના બહાને ભચાઉના પી.એમ. આગળિયા, ઠક્કર હોસ્પિટલ પાસે લઈ ગઈ હતી. આ મહિલાએ  વિધવા દેખાઓ તે પ્રકારે દાગીના વિના ફોટો પડાવવાનું કહ્યું  હતું.  છેતરપિંડી કરનારી મહિલાએઁ ફરિયાદીના હાથનાં સોનાંની  ચિપ્સવાળા પાટલા ત્રણ તોલા કિં. રૂા. એક લાખ, સોનાંના અને પ્લાસ્ટિકના પારાવાળી માળા એક તોલા કિં. રૂા. 50 હજાર, ફરિયાદીના જેઠાણી મુરીબેન પાસેથી સોનાંના અને પ્લાસ્ટિકના પારાવાળી એક તોલાની માળા કિં. રૂા. 50 હજાર, નાકનો દાણો કિં. રૂા. 10 હજાર સાથે કુલ રૂા. 2.10 લાખના દાગીના ઊતરાવ્યા હતા. આભૂષણ લઈને  ગયેલ આ મહિલા જમવા જાઉં છું  કહી લાંબા સમય સુધી પરત ન આવતાં છેતરપિંડી થઈ હોવાનું  બહાર  આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી . આ મહિલાએ ગુજરાતી સાડી  અને સફેદ ડિઝાઈનવાળો દુપટ્ટો બાંધ્યો હોવાનું ફરિયાદમાં લખવામાં આવ્યું હતું.