ગુજરાતમાં પક્ષપલટાની મોસમ પુરજોશમાં ખીલી છે ત્યારે પલટો કરનાર ધારાસભ્યોના ચૂંટણી લડવા પર ચૂંટણી પંચે સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જોઈએ

21મી સદીની આ રાજનીતિમાં ભારે બદલાવ દિનપ્રતિદિન આવી રહ્યો છે ત્યારે ચૂંટણી જીતવી એ દરેક પક્ષનું એક લક્ષ્‍ય બની ગયું છે. અને આ લક્ષ્‍યને પહોંચી વળવા માટે રાજકીય પક્ષો ગમે તે હદ સુધી જાય છે. જે રાજકીય પક્ષ મજબૂત હોય પણ સત્તા પર ન હોય તે સત્તા મેળવવા માટે સત્તાધારી પક્ષના ઉમેદવારોને તોડવાનો પ્રયત્ન કરે છે તો બીજી બાજુ સત્તાધારી પક્ષ પણ વિરોધી પક્ષના મજબૂત ઉમેદવારોની પોતાના પક્ષમાં સમાવવા માટેની રાજકીય ચાલો ચાલતો હોય છે. જો કે ગુજરાતમાં પક્ષપલટા ની મોસમ પુરજોશમાં ખીલી છે.આ વખતે 2019ની લોકસભાની ચૂંટણીઓ સાથે ગુજરાતમાં ચાર જેટલી વિધાનસભા સીટોનું પણ મતદાન થવાનું છે કારણકે આ સીટો પરથી જીતેલા ઉમેદવારો એ ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને પક્ષ પલટો કરી લીધો છે. જેથી ખાલી પડેલી આ સીટો પર હવે મતદાન થશે મતદાન થાય પછી ગમે તે રાજકીય પક્ષ ના ઉમેદવાર ની જીત થાય પણ અંતે ચૂંટણી ખર્ચનો બોજો તો પ્રજા ઉપર જ પડે છે. પક્ષ પલટાને કારણે ખાલી પડતી બેઠકો પર ચૂંટણી યોજાય છે જેમાં અઢળક ખર્ચ થાય છે ત્યારે આ અંગે સુરતના જાગૃત યુવા નાગરિકોના મત જાણવાનો પ્રયત્ન કરાયો હતો. સુરતના શિક્ષિત યુવાન આશિષ કાકડીયા આ અંગે જણાવે છે કે પક્ષ પલટો કરતાં ખાલી પડેલી સીટ પર જ્યારે પુનઃ મતદાન થાય છે ત્યારે યોજાતી ચૂંટણીનો ખર્ચ એ પક્ષ પલટો કરીને ફરીથી ચૂંટણી લડી રહેલા ઉમેદવારના માથે નાખવો જોઈએ. જેથી પક્ષ પલટો કરતા પહેલા આવા તકસાધુઓ વિચાર કરે. આ અંગે અન્ય એક યુવાન વિપુલ સંચાણીયા જણાવે છે કે જે લોકો માત્ર અને માત્ર સત્તા મેળવવા માટે અથવા તો પોતાનો સ્વાર્થ સાધવા માટે પક્ષ પલટો કરે છે એવા લોકોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકી દેવો જોઈએ. પક્ષ પલટાને લઈને સુરતના જાગૃત યુવાન દિવ્યેશ કોરાટે જણાવ્યું હતું કે ઉમેદવાર જ્યારે પક્ષ પલટો કરી ફરીથી ચૂંટણી લડે છે ત્યારે પુનઃ યોજાતી આ ચૂંટણીનો ખર્ચ પ્રજાના ટેક્સના પૈસામાંથી જ ખર્ચાય છે, જે ખરેખર સૌથી મોટો અન્યાય ગણી શકાય કારણકે પક્ષપલટો કરનારા માત્રને માત્ર પોતાનો રાજકીય લાભ મેળવવા માટે જ પક્ષ પલટો કરતા હોય છે. તેથી પક્ષપલટો કરનારા લોકો ઉપર ચૂંટણી પંચે ચૂંટણી લડવા માટેનો સંપૂર્ણ પ્રતિબંધ મુકી દેવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *