માધાપરના પેટ્રોલ પંપ પાસે પાર્ક કરાયેલી 20 લાખની ટ્રક હંકારી જવાઈ

copy image

copy image

ભુજ સમીપના માધાપર હાઇવે પર પેટ્રોલ પંપ પાસે પાર્ક કરાયેલી 20 લાખની ટ્રક અને કુકમા સીમની વાડીની ઓરડીમાંથી રૂા. 21,500ના મુદ્દામાલની ચોરી થતાં ફરિયાદો નોંધાઇ હતી. માધાપર પોલીસ મથકે વ્યવસાયે ટ્રાન્સપોર્ટર એવા મૂળ નોખાણિયા હાલે માધાપર રહેતા રણછોડભાઇ લક્ષ્મણભાઇ છાંગાએ નોંધાવેલ ફરિયાદ મુજબ તેમની માલિકીની ટાટા કંપનીની કિં. રૂા. 21 લાખવાળી માધાપર હાઇવે પરના વિશાલ પેટ્રોલ પંપ પર પાર્ક કરેલી હતી. તા. 11/9ના રાતથી બીજા દિવસની સવાર સુધી આ ટ્રક કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરીને લઇ ગયાની ફરિયાદ નોંધાવી હતી. બીજીતરફ, ભુજ રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા લલિતભાઇ ધરમશીભાઇ પરમાર (મિત્રી)એ પદ્ધર પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ અઢી માસથી આજ રોજ દરમ્યાન કુકમાની સીમમાં આવેલી તેમના કબજા ભોગવટાની વાડીની ઓરડીનું તાળું તોડી કોઇ અજાણ્યો ચોર ઇસમ પાણીની મોટર, દવા છાંટવાનો સ્પ્રેયર પંપ – નોઝલ સાથે, કટર મશિન અને વાયર એમ કુલ્લ રૂા. 21,500ના મુદ્દામાલની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી હતી.