ગડાપાટીયા- માધાપરમાંથી વિદેશી દારૂ પકડાયો

ભુજ : પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ભુજ તાલુકાના ગડાપાટીયા તથા માધાપરમાં અલગ-અલગ બે સ્થળે દારૂના દરોડા પાડી ૪૯,૩૦૦ના વિદેશી દારૂ સહિત ૮,૩૮, ૪૦૬ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડી હવાલાતમાં ધકેલી દીધા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ તોલંબીયા તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલના માર્ગદર્શન હેઠળ એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ. એમ.બી. ઔસુરાની સુચનાથી એલસીબીનો સ્ટાફ ભુજ તાલુકાના ગામડાઓમાં દારૂ જુગાર જેવી બદીઓ નાબુદ કરવા માટે પેટ્રોલીંગમાં હતા. ત્યારે પૂર્વ બાતમીના આધારે ગત રાત્રિના ગડાપાટીયા નજીક બાતમી વાળી ટ્રક નંબર જીજે ૧ર એક્સ ૩૧૪૬ને રોકાવી ટ્રકની તલાસી લેતામાં ભરેલ પાવડરની બોલી નંગ ૩૪૦ કિંમત રૂ.૩પ,૧૦૬ નીચે છુપાયેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની મેગડોવેલ્સ નંબર ૧ વ્હીસ્કીની બોટલ નંગ ૧૦ તથા થ્રીએક્સ રમની બોટલો નંગ ૧૩ એમ ૧૧,પ૦૦નો દારૂ મળી આવતા જપ્ત કર્યો હતો. ટ્રકમાં રહેલા દિપેશ ચંદ્રકાંત જોષી તથા ચેતન ખિમજી દવેને ઝડપી પાડી પુછપરછ કરતા દારૂનો જથ્થો મુળ મસ્કા હાલે માંડવી રહેતા આશીષ ચંદ્રકાંત જોષીએ મંગાવ્યો હોવાની કેફીયત આપતા શખ્સોઓ પાસેથી બે મોબાઈલ કિંમત રૂ.૩,પ૦૦ તથા સાત લાખની ટ્રક સહિત ૭,પ૦, ૧૦૬નો મુદ્દામાલ જપ્ત કરી બી ડિવીઝન પોલીસ સ્ટેશને મયુરસિંહ જાડેજાએ ફોજદારી લખાવી હતી. બીજી તરફ એલસીબીની ટીમે માધાપર જુના વાસ વિશાલનગરમાં રહેતા હરેશ ઉર્ફે બોબી અશોક સિધીના ઘરે વહેલી સવારના અરસામાં દરોડો  પાડ્યો હતો. તેના કબ્જાની કાર નંબર જીજે ૭ આર ૯૧૮૮માંથી જુદાજુદા બ્રાન્ડની અંગ્રેજી દારૂની બોટલો નંગ ૧૦૮ કિંમત રૂ.૩૭,૮૦૦ની મળી આવતા મોબાઈલ તથા કાર સહિત ૮૮,૩૦૦નો મુદ્દામાલ જપ્ત કરી શખ્સની અટક કરી બી ડીવીઝન પોલીસ સ્ટેશને હેડ કોન્સ. હરીશચંદ્રસિંહ જાડેજાએ ફોજદારી લખાવી હતી.
   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *