તિલકવાડા તાલુકાના માંગુ ગામે શરાબની ડિલીવરી માટે જતો ટેમ્પો પકડાયો

હાલોલ-વડોદરા હાઇવે પર જરોદ પાસે જિલ્લા એલસીબીએ શરાબનો જથ્થો ભરેલો ટેમ્પો પકડી પાડી શરાબની ૨૧૯૨ બોટલો જપ્ત કરી બે ઇસમોની અટકાયત કરી છે. શરાબનો જથ્થો હરીયાણાથી તિલકવાડા તાલુકામાં લઇ જવાનો હોવાની વિગતો બહાર આવી છે. બ્રાઉન રંગના આયશર ટેમ્પોમાં શરાબનો જથ્થો તિલકવાડા તાલુકાના માંગુ ગામે રહેતા મહેન્દ્ર રમણભાઇ પરમારે મંગાવ્યો છે અને આ ટેમ્પો હાલોલથી વડોદરા થઇ કરજણ તરફ જનાર છે તેવી બાતમીના આધારે એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એચ.પી. પરમારની સુચનાથી ટીમના માણસોએ જરોદ હાઇવે પર વોચ ગોઠવી બાતમી મુજબનો ટેમ્પો આવતા તેને રોકી ટેમ્પોમાં તલાશી કરતા શરાબની બોટલનો મોટો જથ્થો મળ્યો હતો. પોલીસે ડ્રાયવર વિજય અરજણ નંદાણીયા (રહે.સુશેન ચોકડી, માંજલપુર, મુળ નાગેડી ગામ, જીઆઇડીસી પાછળ, જામનગર) અને મુકેશ રાવજીભાઇ બારીયા (રહે.માનપુરા, ખુણી ફળીયું, ડભોઇ) પાસે શરાબની હેરાફેરી અંગેનો પરવાનો નહી મળતા પોલીસે બંનેની અટકાયત કરી હતી. ટેમ્પામાંથી રૂ.૭.૭૦ લાખ કિંમતની ૨૧૯૨ શરાબની બોટલો, ટેમ્પો, રોકડ રકમ અને બે મોબાઇલ મળી કુલ રૂ.૧૨.૭૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં શરાબનો જથ્થો હરીયાણાથી મંગાવ્યો હતો. જો કે શરાબ ચૂંટણીના કામ માટે મંગાવ્યો હતો કે નહી તે અંગે તજવીજ હાથ ધરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *