રેડિયો : માહિતીના પ્રસારનું સૌથી શક્તિશાળી અને સસ્તું સંચાર માધ્યમ

સંદેશાવ્યવહારના માધ્યમ તરીકે રેડિયો હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. એક સમય હતો જ્યારે રેડિયો માહિતીનું મુખ્ય માધ્યમ
હતું. આપત્તિ કે કટોકટીના કિસ્સામાં રેડિયોનું મહત્વ હંમેશા રહ્યું છે.

આ ઉપરાંત મનોરંજન ક્ષેત્રે પણ રેડિયોએ પોતાની આગવી ઓળખ બનાવી હતી. બદલાતા સમય સાથે, સંદેશાવ્યવહારના નવા
માધ્યમો આવ્યા અને રેડિયોનું ચલણ ઘટતું ગયું. આજે વિશ્વ રેડિયો દિવસ યુવાનોને રેડિયોની જરૂરિયાત અને મહત્વ વિશે જણાવવા માટે
ઉજવવામાં આવે છે.
દુનિયા હંમેશા બદલાતી રહે છે, તેથી રેડિયો અનુકૂલન કરે છે અને નવીનતા લાવે છે. વાસ્તવમાં, રેડિયો એ જનસંચારનું એકમાત્ર
માધ્યમ છે જેના દ્વારા અત્યાર સુધી અસંખ્ય લોકો સુધી સંદેશા પહોંચાડવામાં આવ્યા છે. ખાસ કરીને ગામડાઓ, નગરો અને એવા
સ્થળોએ રહેતા લોકો માટે જ્યાં અન્ય કોઈ સંદેશાવ્યવહારના માધ્યમો સુધી પહોંચવું સરળ નથી. આજે પણ આ સ્થળોએ રેડિયો
સંદેશાવ્યવહારનું મુખ્ય માધ્યમ છે.
રેડિયોએ સમગ્ર વિશ્વમાં માહિતીની આપ-લે કરવામાં અને લોકોને શિક્ષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેનો ઉપયોગ
યુવાનોને અસર કરતા વિષયોની ચર્ચામાં સામેલ કરવા માટે કરવામાં આવતો હતો. તે કુદરતી અને માનવસર્જિત આફતો દરમિયાન લોકોના
અમૂલ્ય જીવન બચાવવામાં મદદ કરે છે. હાલમાં પણ તે માહિતીના પ્રસારનું સૌથી શક્તિશાળી અને સસ્તું માધ્યમ છે.
કોઈનું બાળપણ રેડિયોની મદદથી પસાર થાય છે તો કોઈની વૃદ્ધાવસ્થા. આ દેશે જે રીતે આઝાદીની ઘોષણા સાંભળી તેનું
માધ્યમ પણ રેડિયો જ હતું. સ્માર્ટ ફોનના યુગમાં આજે પણ આપણો રેડિયો એટલો જ સાંપ્રત છે અને હયાત છે. ત્યાં સુધી કે મોબાઈલમાં
રેડિયો નો સમાવેશ કરવો પડ્યો એટલી તો એ રેડિયોની મહત્તા છે.
વિશ્વ રેડિયો દિવસ અભિવ્યક્તિની સ્વતંત્રતા, જાહેર ચર્ચા અને શિક્ષણના પ્રસારમાં રેડિયોના મહત્વને સમજાવવાના ઉદ્દેશ્ય સાથે
ઉજવવામાં આવે છે. તે નિર્ણય લેનારાઓને રેડિયો દ્વારા માહિતી સ્થાપિત કરવા અને પ્રસારિત કરવા, નેટવર્કિંગ વધારવા અને
બ્રોડકાસ્ટર્સ વચ્ચે એક પ્રકારનું આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રદાન કરવા માટે પણ પ્રોત્સાહિત કરે છે.
કચ્છ પ્રદેશમાં કલા-સાહિત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રના સિમાચિન્હ્ રૂપ ભુજનું આકાશવાણી કેન્દ્ર પોતાની પ્રસારણ યાત્રાની એક
મોટી મોટી મજલ કાપી ચૂક્યું છે. ભુજ ખાતે પ્રાદેશિક કક્ષાના આકાશવાણી કેન્દ્રની શરૂઆત આમ તો બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ
૧૯૬૫ ના રોજ થઇ પરંતુ વિધિવત ઉદ્દધાટન ૧૦મી ઓક્ટોબર ૧૯૬૫ના રોજ થયું હતું.
ભારત પાકિસ્તાન વચ્ચે એપ્રિલ ૧૯૬૫ના કચ્છ સરહદે ખેલાયેલા યુધ્ધ પછી સરહદી વિસ્તારની મહત્વતાને ધ્યાનમાં લઇ
ભુજને AIR કેન્દ્ર મળ્યું.
ભુજનું આકાશવાણી કેન્દ્ર પ્રારંભે ૧ કિ.વો. અને ત્યાર બાદ વર્ષ ૧૯૭૨-૭૩માં ૧૦ કિ.વો.ની ક્ષમતા ધરાવતું બન્યું. તેનું
રિસિવિંગ સ્ટેશન ભુજથી ૧૧ કિ.મી. દુર કુકમા ગામ પાસે આવેલું છે. પહેલાં દ્દિધામેશ્વર મંદિરના પાછળના ભાગે નાની જગ્યામાં શરૂ
થયેલ. ભુજ કેન્દ્રને જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે અદ્યતન વિશાળ સંકુલ સાંપડ્યું.
ભુજ કેન્દ્રની મુખ્ય ભાષા ગુજરાતી હોવા ઉપરાંત કચ્છી, સિંધી, સંસ્કૃત તથા હિન્દી તેમજ અંગ્રેજી ભાષામાં કાર્યક્રમ પ્રસારિત થાય
છે. કચ્છની ભાતીગળ લોક સંસ્કૃતી ઓળખ સમી લોકકલા- લોક સંગીતનો ધબકાર ઝીલવામાં આ પ્રાદેશિક કેન્દ્રની ભૂમિકા મહત્વની રહી
છે.
ભજનો, લોકગીતો, છંદ, દુહા, કચ્છી કાફિ, સુગમ સંગીત, લોક ડાયરા તથા વિવિધ લોક વાદો પરની ધૂનોનું પ્રસારણએ મહત્વનું
પાસું છે. તો શ્રોતાવર્ગને આકર્ષકતા નાટકો-રૂપકો, ભવાઈ સહિની પ્રસ્તુતિઓએ કચ્છની સંસ્કૃતિની ખૂશ્બુ કચ્છ બહાર પણ ફેલાવી છે.
કચ્છી ભાષા અને કચ્છી સાહિત્યના જતન અને સંવર્ધનમાં આકાશવાણી ભુજનું મહત્વનું યોગદાન રહ્યું છે.
“ગામજો ચોરો”, “બાબીડે જા બોલ” અને “કુંજલ પાંજે કચ્છ જી” કાર્યક્રમો તેના બોલતા પુરાવા છે. શિષ્ટ મનોરંજન સાથે
સાહિત્યનું શ્રોતાઓ માટે વિવિધ વિષયો સાથેના વાર્તાલાભ, ચર્ચાઓ મુલાકાતો, મહિલાઓ માટે મહિલા જગત, સહિયર, યુવાનો માટે
યુવવાણી, બાળકો માટે કિલ્લોલ અને ફોરમતા ફૂલડા જેવા કાર્યક્રમ, ફિલ્મી મનોરંજનના કાર્યક્રમો આપની પસંદ, ચિત્રપટ સંગીત,
ગુલમહોર, વિજ્ઞાન સંબધિત અવનવી બાબતોની માહિતી આપતા “નિહરિકા” તથા આરોગ્ય સંબધી “ડોક્ટર આપની સેવામાં” જેવા
કાર્યક્રમોનો ખાસ શ્રોતાવર્ગ રહ્યો છે. તો વિશ્વસનીય અને સચોટ સમાચારો, દેશ સાથે રાજ્ય અને સ્થાનિક જિલ્લા સ્તરની ઘટનાઓને
આવરી લેતા બે નિયમિત સમાચાર બુલેટિન સવારે અને સાંજે સ્થાનિક સમાચાર બુલેટિનને પણ દૂર-સુદુરના શ્રોતાઓએ બહોળા
પ્રમાણમાં પ્રતિસાદ આપ્યો છે.
કુદરતી આપત્તિ ભૂકંપના સમયે તો સંદેશા આદાન-પ્રદાન માટેના એક માત્ર આકાશવાણી- ભુજ કેન્દ્રએ ત્વરિત સેવા ચાલુ કરીને
ઉદાહરણરૂપ કામગીરી કરી હતી. તો બિપરજોય જેવા વાવાઝોડાના સંકટ સમયે પણ જિલ્લાવાસીઓને સતત પ્રસારણ દ્વ્રારા વાવાઝોડા
વિશેની વિશ્વસનીય માહિતીથી વાકેફ કર્યા હતા. સાવચેતીના પગલાં અંગે રાતભર પ્રસારણ ચાલુ રાખીને લોકોને સાચી માહિતી પહોંચાડી
હતી. કેન્દ્રની સ્થાપનાથી કાર્યરત સમાચાર વિભાગના બે નિયમિત બુલેટિન ઉપરાંત સવારે પ્રાસંગિક દ્વારા સમસામયિક ઘટનાઓ અને
સમાચાર દર્પણ દ્વ્રારા સપ્તાહભરની મુખ્ય ઘટનાઓને શ્રોતાઓ સમક્ષ મૂકવામાં આવે છે. તો હવે “કચ્છ જા વાવડ” કચ્છી સાપ્તાહિક
સમાચાર કાર્યક્રમ પણ વિશેષ લોકપ્રિયતા મેળવી રહ્યો છે. વાવાઝોડા, ભૂકંપ,અતિવૃષ્ટિ અને યુધ્ધ જેવી પરિસ્થિતિઓમાં ભુજના
આકાશવાણી કેન્દ્રની સેવાઓ સરાહનીય રહી છે.

તાજેતરમાં કચ્છ આવેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રેડિયોની આજના સમયમાં મહત્તા વિશે
જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ રેડિયોને વિકાસના માધ્યમ તરીકે પસંદ કરીને વિકાસના દરેક આયામોને
જનજન સુધી લઈ જવા સાથે ‘મન કી બાત’ના માધ્યમથી તેઓ ખુદ દરેક દેશવાસીઓ સાથે જોડાયા છે. આટલું
જ નહીં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં છેલ્લાં એક દશકમાં ડિજિટલ ભારત અંતર્ગત થયેલી ટેક ક્રાંતિમાં  રેડિયો
અને ખાસ કરીને એફએમને નવા રૂપરંગ પ્રાપ્ત થયા હોવાનું જણાવીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,   રેડિયો
ઓછા ખર્ચે,  સ્થાનિક ભાષામાં પ્રચાર-પ્રસારનું વિશ્વસનીય માધ્યમ હોવાથી ભારતના વિકાસના વિઝનમાં
અસરકારક માધ્યમ છે.