ઘેટાં-બકરાંથી ભરેલ બે ટ્રક સાથે બે શખ્સ ઝડપાયા
માધાપર પોલીસ સ્ટેશન નજીક પોલીસે ઠાંસીઠાંસીને ભરેલ બે ટ્રકમાં 417 ઘેટાં-બકરાં ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર લખપતના દયાપર અને દેશલપર બાજુથી બે ટ્રકમાં 417 ઘેટાં-બકરાં ઠાંસીઠાંસીને ભરી અમદાવાદ લઈ જવામાં આવી રહ્યા હતા. આ મામલે અડધી રાતે 2:30 વાગ્યાના અરસામાં કેટલાક જીવદયાપ્રેમીઓએ પોલીસ મથકે આવી જણાવ્યું કે બે ટ્રકમાં ઘેટાં-બકરાં ખીચોખીચ ભરી નળવાળા સર્કલથી શેખપીર બાજુ જઈ રહી છે. મળેલ માહિતીના આધારે માધાપર પોલીસ ચોકી પાસે આ બે ટ્રકને ઊભી રખાવી તલાશી લેતા તેમાથી કુલ ઘેટાં 375 અને બકરાં 42 મળી આવેલ હતાં. પાણી અને ઘાસચારાની વ્યવસ્થા વગર ભરી જવાતા બે જીવ મરી ગયા હતા. અબોલ જીવોની હેરફેર માટે કોઈ પાસ-પરમિટ ન હોવાથી આરોપી શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તમામ મુદ્દામાલ કબ્જે કરે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી ઉપરાંત અબોલ જીવ ઘેટાં-બકરાંઓને રુદ્રાણી જાગીર મોકલી અપાયા હતા. આ અંગે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.