વડોદરા ગોત્રીના ઘરમાં બે દિવસ પહેલા તસ્કરોએ હાથફેરો કર્યા બાદ તસ્કરો તાંદલજાના એક ઘરને નિશાન બનાવી રોકડ અને દાગીનાની ચોરી કરી ગયા હોવાનો વધુ એક બનાવ નોંધાયો છે. તાંદલજાના મરિયમ પાર્કમાં રહેતા અને પ્રતાપનગર વિસ્તારમાં ફર્નિચર શોપ ધરાવતા અબ્દુલ કાદર અબ્દુલ ગની મેમણનો પરિવાર ભાવનગર ગયો હોવાથી તેઓ નજીકમાં મીના બંગ્લોઝમાં રહેતા ભાઈને ત્યાં સુવા જતા હતા. ગઈકાલે સવારના અરસામાં વેપારીના સાળાએ ફોન કરી ઘરનો દરવાજાનો નકુચો તૂટ્યો હોવાની જાણ કરતા વેપારી દોડી આવ્યા હતા. વેપારીએ તપાસ કરતાં તસ્કરો ઘરમાં સામાન, રોકડા રૂપિયા દોઢ લાખ, સોનાની બુટ્ટી અને અંગૂઠી મળી રૂ.પોણા બે લાખની મત્તાની ચોરી કરી ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. જે.પી.રોડ પોલીસે બનાવની તજવીજ હાથ ધરી છે.