મોબલીચીંગ કરનારા આરોપી વિરૂધ્ધ ફરિયાદ દાખલ ન કરી આરોપીઓને છાવરનાર માધાપર પોલીસ ચોકીના જવાબદાર અધિકારીઓ વિરૂધ્ધ ખાતાકીય કાર્યવાહિ કરવા અંગે એસ.પી. સમક્ષ રજૂઆત

જય ભારત સહ ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે ગઈ કાલે અમારી સમાજના વ્યાપારી આગેવાન જાફર સાલેમામદ કુંભાર, અંજાર કે જેઓના પીતા ભુજ હોસ્પિટલ મધ્યે સારવાર માટે એડમીટ હોઈ તેઓ અંજારથી ભુજ તરફ આવી રહયા હતા. તે દરમ્યાન શેખપીરથી આગળ ગાડી નંબર GJ03W9581 વડવાળા ટ્રાવેલ્સની લકઝરી બસે જાફરભાઇની કારને ટકકર મારી ડ્રાઇવર નાસી છુટયો હતો. આ ઘટના બાદ માધાપર પોલીસ ચોકી પહેલા લકઝરીને ઉભી રાખી કારમાં થયેલ નુકશાનની વાતચીત કરવા જતા બસ ડ્રાઇવર તથા તેના સાથે રહેલ ચાર પાંચ સગરીતોએ અમારા સામાજીક આગેવાનને મારા-મારી કરી તેની દાઢી ખેચી અને ‘તમારાથી થાય તે કરી લ્યો’, ‘મુલ્લાઓને કાપી જ નાખવા જોઇએ’, ‘આ લોકોને અહિં રહેવાનો અધિકાર નથી’, કાં તો મારી નાખો કાં પાકિસ્તાન મોકલી દયો’, એવા ઉચ્ચારણો કરી માર મારી સરહદી કચ્છ જિલ્લાની એકતા અને અખંડીતતા તોડી કોમી ઉન્માદ ફેલાય તેવો કૃત્ય આચરી એક સામાજીક આગેવાનની મોબલીચીંગ કરેલ છે.

આ ઘટના બાદ ભોગ બનનાર જાફર કુંભારે સવારના ૧૦ કલાકે સારવાર માટે જી. કે. જનરલ હોસ્પિટલ ભુજ મધ્યે સારવાર માટે દાખલ થઇ, હોસ્પિટલ ચોકી મધ્યે એમ. એલ. સી. દાખલ કરાવી હતી. ત્યાર બાદ માધાપર પોલીસ ચોકીના અધિકારીએ હોસ્પિટલ આવી દાઢી ખેંચી અને મુસ્લિમો વિરૂધ્ધ એલ-ફેલ બોલવાનું ફરિયાદ માથી કાઢી અને શાદી ફરિયાદ લખાવવા ફરિયાદીને દબાણ કરેલ. આ સમગ્ર મુદે અમોએ માધાપર પી.એસ.આઈ. ગોહિલ સાહેબ સાથે ફોન પર વાત કરતા સાહેબથી ચર્ચા કરી કાર્યવાહિ કરાવું છું તેવું જણાવેલ. ત્યાર બાદ આ મુદે પી.આઈ. ગઢવી સાહેબ જોડે ફોન પર ચર્ચા થતા કાર્યવાહિ કરવાની ખાતરી આપેલ. ત્યાર બાદ ફરી એક વખત હોસ્પિટલ મધ્યે માધાપર ચોકીના બંને પી.એસ.આઈ ગોહિલ સાહેબ તથા ડાભી સાહેબ આવી અમારી હાજરીમાં જટાવેલ કે દાઢી ખેંચી અને મુસ્લિમો વિરૂધ્ધ એલફેલ બોલવાનું ફરિયાદમાં ન લખાવો તો જ ફરિયાદ લઇએ તેવું ઉઘ્ધતાઈ પૂર્વક જવાબ આપ્યો હતો.

આ સમગ્ર ઘટનાને ૨૪ કલાકથી ઉપર સમય થયો છતાં ફરિયાદ દાખલ ન કરી માધાપર પોલીસ અધિકારીઓ દ્વારા આરોપીઓને છાવરવામાં આવી રહ્યા છે. આપ સાહેબશ્રીને વિનંતી છે કે કચ્છમા લકઝરી બસ લઇ આવી અને કચ્છની કાયદો વ્યવસ્થાને પડકાર ફેંકી મોબલીચીંગ જેવી ઘટનાને અંજામ આપી કોમી ઉન્માદ ફેલાવતા આવારા તત્વો વિરૂધ્ધ અમારા આગેવાન દ્વારા કરવામાં આવેલ ફરિયાદ પરથી એફ.આઈ.આર દાખલ કરી કડક પગલા લઈ કાયદાનો પાઠ ભણાવવામાં આવે.

તેમજ આવા આવારા તત્વોને લકઝરી માલિકની ભલામણથી છાવરનારા માધાપર ચોકીના જવાબદાર અધિકારીઓ વિરુધ્ધ ખાતાકીય કાર્યવાહિ કરી ન્યાય અપાવવામાં આવે. અન્યથા અમો કચ્છ મુસ્લિમ કુંભાર સમાજ દ્વારા નામદાર કોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે જેની ગંભીર નોંધ લેવા વિનંતી.

રફીક એ. મારા

પ્રમુખ,

અખિલ કચ્છ મુસ્લિમ કુંભાર સમાજ