બસમાં બિસ્કિટ ખવડાવી બેભાન કરી ચેન ચોરનાર આરોપી શખ્સના ચાર દિવસના રીમાન્ડ મંજૂર
બસમાં બિસ્કિટ ખવડાવી બેભાન કરી ચેન ચોરનાર આરોપી શખ્સના ચાર દિવસના રીમાન્ડ મંજૂર થયા છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ ત્રણેક માસ પૂર્વે અમદાવાદથી ભુજ આવતા શિક્ષકને બસમાં અજાણ્યા શખ્સે બિસ્કિટ ખવડાવી બેહોશ કરી ફરિયાદીની સોનાની ચેઈનની ચોરી કરી ફરાર થઈ જતાં આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ મામલે શિક્ષક એવા હાર્દિકગિરિ ગોસ્વામી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 4/7ના ગુજરાત ટ્રાવેલ્સની બસમાં અમદાવાદથી ભુજ આવી રહ્યા હતા. મુસાફરી દરમ્યાન અજાણી વ્યક્તિએ બિસ્કિટ આપતાં તે ખાતાં ફરિયાદી બેભાન થઈ ગયા હતા અને સવારે ભુજમાં આરટીઓ સર્કલ પાસે પહોંચતાં ગળામાંથી સોનાની ચેન કિં. રૂા. 1,65,200 ગાયબ જણાઈ હતી. જેથી તેઓએ પોલીસ મથકે ફરિયાદ નોધાવેલ હતી. જાણવા મળી રહ્યું છે કે, બાદમાં રાજકોટ પોલીસે શંકાસ્પદ વસ્તુઓ સાથે એક શખ્સને પકડતાં તેને આ ચોરી સ્વીકારી હતી. આગળની વધુ કાર્યવાહી માટે આરોપી શખ્સને ભુજ પોલીસને સોંપવામાં આવેલ હતો. આરોપી શખ્સની અટક કરી ભુજની કોર્ટમાં રજૂ કરાતાં તેના તા. 19/10 સુધી ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.