અથાણા ભરેલા બેરલમાં શરાબની હેરાફેરીનું નેટવર્ક શહેર ક્રાઇમ બ્રાંચે પકડી પાડી ત્રણ શખ્સોની અટક કરી છે. શરાબનો જથ્થો મંગાવનાર શખ્શ પલાયન થઇ ગયો છે. ન્યુ સમા વિસ્તારમાં રાઘે ક્રિષ્ણા એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં અથાણા ભરેલા બે બેરલ આવ્યા છે અને તેમાં સંતાડેલી શરાબની બોટલો બહાર કાઢી તેને ગ્રાહકોને પહોંચાડવાની છે તેવી બાતમી મળતા ક્રાઇમ બ્રાંચના સ્ટાફે એપાર્ટેમેન્ટમાં દરોડો પાડતા ત્રણ શખ્સો બે મોટા બેરલમાં સંતાડી રાખેલી શરાબની બોટલો બહાર કાઢી તેને સાફ કરતા જણાયા હતાં. પોલીસની અચાનક એન્ટ્રીથી ત્રણે શખ્સો ગભરાઇ ગયા હતાં. પોલીસે અથાણાના બેરલમાંથી શરાબની બોટલો કાઢતા બલજીત હરેશ રાવલ, વિજય મહેશ પરમાર અને સમીર અશોક ઠાકોરને પકડી પાડી તેઓની પાસેથી ૩૧ નંગ શરાબની બોટલો, પાંચ મોબાઇલ, અથાણા ભરેલા બે બેરલ મળી કુલ રૂ.૨.૨૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. શરાબનો જથ્થો મંગાવનાર પ્રમોદ ઉર્ફે પમ્મુ બીસ્ટની પોલીસે શોધખોળ હાથ ધરી છે.