વધુ એક માર્ગ અકસ્માત : આડેસર નજીક ટ્રેઈલર અને ટેન્કર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત : બે ના મોત એક ઘાયલ

copy image

copy image

આડેસર નજીક ટ્રેઈલર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બે યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા જ્યારે અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ બન્યા હતા. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ  રાપર ખાતે આવેલ આડેસરથી રાધનપુર બાજુ જતા માર્ગ પર કરણી કૃપા હોટેલ નજીક આ અકસ્માત સર્જાયો હતો. અહી ટ્રેઇલરમાં પાછળથી ટેન્કર ધડાકાભેર ભટકાતાં ટેન્કરમાં સવાર ભુરેખાન અલારખાખાન કલર તથા સાલમખાન બરકતખાન મેણુ નામના યુવાનોનાં મોત થયાં હતાં જ્યારે અન્ય એકને ઇજાઓ પહોંચી હતી.આ બનાવ અંગે રાજસ્થાનમા રહેનાર શંકરલાલ પ્રહલાદરામ જાટ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી પોતાનું ટ્રેઇલર લઇને મોરબી આવ્યો હતો. અહીંથી તેણે ટાઇલ્સ ભરી હતી અને માળિયા, સામખિયાળી થઇને તે હરિયાણાના હિસ્સાર બાજુ જવા નીકળ્યો હતો. આડેસર-રાધનપુર માર્ગ ઉપર  ટ્રાફિક હોવાનાં કારણે ફરિયાદી પોતાનું વાહન ધીમું ચલાવી રહ્યો હતો તેવામાં પાછળથી બીજી ગાડી તેમાં ધડાકાભેર ભટકાતાં આ ફરિયાદીનાં વાહનના કાચ તૂટી ગયા અને ફરિયાદી ઉછળીને આગળના વાહન ઉપર પડયો હતો જેમાં તેને ઇજાઓ પહોંચી હતી. આ યુવાન પોતાનાં વાહન પાછળ જોવા જતાં ટેન્કર  ભટકાયેલી હાલતમાં પડયું હતું. આ વાહનની કેબિનનો બુકડો બોલી ગયો હતો જેમાં તેના ચાલક, ક્લીનર ફસાઇ જતાં બંનેના ત્યાં જ કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતાં. ઇજાગ્રસ્ત ફરિયાદીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. પોલીસે આ બનાવ અંગે ફરિયાદ દાખલ કરે આગળની વધુ તપાસ આરંભી છે.