ભરૂચમાં NSEના બ્રોકર તરીકેની ખોટી ઓળખ આપી બોગસ દસ્તાવેજો બનાવી ₹63.94 લાખની છેતરપીંડી કરનાર વોન્ટેડ દંપતીને નડીયાદ ખાતેથી ઝડપી પાડતી ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ
ભરૂચમાં નેશનલ સ્ટોક એક્સચેંજના બ્રોકર તરીકે ખોટી ઓળખ આપી બોગસ દસ્તાવેજો બનાવી 24 લોકો સાથે 64 લાખની ઠગાઇ કરનારા ઠગ દંપતીને પોલીસે નડિયાદ ખાતેથી ઝડપી પાડયું છે. અંક્લેશ્વરની ગાર્ડન સિટી ખાતે રહેતા યોગેશ જોષી ભરૂચની રાહુલ ચેઇન કંપનીમાં પ્રોડક્શન મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેઓ નોકરીએ જોડાયા ત્યારે કંપનીમાં એકાઉન્ડ હેડ તરીકે બ્રજેશ ભગવતી પ્રસાદ શ્રીવાસ્તવના સંપર્કમાં આવ્યાં હતાં. 2023માં ઓગષ્ટ મહિનામાં બ્રજેશે તેમને મળી જણાવ્યું હતું કે, નેશનલ સ્ટોક એક્સચેન્જમાં ભરૂચમાં બ્રોકર તરીકે તેમની નિમણૂંક થઇ છે. તેણે તેમને જણાવ્યું હતું કે, એનએસઇમાં સારા વળતર વાળી એક સારી સ્કીમ આવી છે. જેમાં એક લાખથી 20 લાખ સુધીના રોકાણકારોને મહિને 10થી 12 ટકા ગેરેન્ટી વળતર મળશે. યોગેશે તેમના તથા પરિવારજનોનું 42.50 લાખનું રોકાણ કર્યું હતું. રોકાણ બાદ તેમને કોઇ વાતે શંકા જતાં તેમણે એનએસઇમાં તેમના ડોક્યુમેન્ટ સાથેનો મેઇલ કરતાં ભરૂચમાં કોઇ બ્રોકર નહિ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તેમણે પોતાના રૂપિયા પરત માગતા બ્રજેશ તથા તેનો પરિવાર ઘર છોડીને ભાગી ગયાં હતાં તેથી તેમણે ભરૂચ શહેર “સી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ભરૂચ શહેર “સી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 24 લોકો સાથે 64 લાખની ઠગાઇની ફરિયાદ નોંધાઇ હતી. પોલીસની તપાસ દરમિયાન બ્રજેશકુમાર શ્રીવાસ્તવ તથા તેમની પત્ની નિશા શ્રીવાસ્તવ નડિયાદમાં હોવાની બાતમી મળતાં છાપો મારી બંનેને ઝડપી પાડી વધુ તપાસ માટે ભરૂચ લાવવામાં આવ્યાં છે.