અંકલેશ્વરની અવસર ઇન્ડસ્ટ્રીઝમાંથી એમડી ડ્રગ્સ ઉત્પાદન કરવાના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો
અંકલેશ્વરની અવસર ઇન્ડસ્ટ્રીઝમાંથી એમડી ડ્રગ્સ ઉત્પાદન કરવાના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. વિશાલ પટેલ અને તેના કેમિસ્ટો અન્ય જોબવર્ક માટે આવેલાં રો-મટીરીયલમાંથી કટકી મારી તેમાંથી એમડી ડ્રગ્સ બનાવતાં હતાં. એમડી ડ્રગ્સ માટેનું રો-મટીરીયલ બહારથી ખરીદવામાં આવતું ન હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. અંક્લેશ્વર જીઆઇડીસીમાં આવેલી અવસર એન્ટરપ્રાઇઝ કંપનીમાં જ ડ્રગ્સ બનાવવાના કારસામાં કંપનીનો સંચાલક વિશાલ પટેલ, મોન્ટુ પટેલ, વિરાટ પટેલ અને વિપુલ પટેલ પોલીસના સકંજામાં પકડાઇ ગયાં છે. ત્યારે તે પૈકીનો વિશાલ પટેલ અંક્લેશ્વર જીઆઇડીસી પોલીસની કસ્ટડીમાં છે. જ્યારે મોન્ટુ પટેલ, વિરાટ પટેલ અને વિપુલ પટેલ સુરત પોલીસની કસ્ટડીમાં છે. ત્યારે બન્ને પોલીસ દ્વારા અલગથી તપાસ હાથ ધરાઇ છે. આ સમય દરમિયાન ભરૂચ પોલીસે વિશાલ પટેલના 6 દિવસના રિમાન્ડ મેળવ્યાં છે ત્યારે તેમની તપાસમાં પ્રાથમિક તબક્કે માહિતી મળી હતી કે, ડ્રગ્સ બનાવવા માટે તેઓ બહારથી સ્પેશિયલ કોઇ રો-મટિરીયલ મંગાવતાં ન હતાં. તેમની કંપની જીવનરક્ષક દવાઓ બનાવતી હોઇ તે માટે તેમને જોબવર્ક મળતું હતું. ત્યારે તેઓ તે જોબવર્ક માટે આવતાં અલગ-અલગ પ્રકારના રો-મટિરીયલ્સમાંથી તેઓ થોડું-થોડું મટિરીયલ કાઢી લેતાં હતાં. જે બાદ તેઓ તેમાંથી ડ્રગ્સ બનાવતાં હતાં.આ ઘટનામાં સુરત પોલીસની પણ તપાસ ચાલી રહી છે. સુરત પોલીસ મોન્ટુ પટેલ, વિરાટ પટેલ અને વિપુલ પટેલની પુછપરછ કરી રહી છે. ત્યારે તેઓ પાસેથી ડ્રગ્સ ખરીદનાર પલક પટેલને વોન્ટેડ જાહેર કરાયો હતો.આ અરસામાં પલક પટેલ કતારગામ દરવાજા પાસેના બ્રીજ નીચે આવ્યો હોવાની બાતમીના આધારે સુરત પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. 428 કિલો પાઉડરને તપાસ માટે ગાંધીનગર મોકલાયો છે. અવસર એન્ટરપ્રાઇઝમાંથી ભરૂચ એસઓજીએ 428 કિલો પાવડરનો જથ્થો જપ્ત કર્યો હતો. કંપનીમાં ચાર તબકકામાં એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. આ પાવડર ડ્રગ્સ છે કે કેમ તેની તપાસ માટે એફએસએલની ગાંધીનગર કચેરી ખાતે મોકલવામાં આવ્યું છે. આ પહેલાં કોર્ટમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. ભરૂચ પોલીસની એક ટીમ સુરતમાં પણ તપાસ કરી રહી છે.જેમાં હજુ વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.
રિપોર્ટર:- કેતન મહેતા, અંક્લેશ્વર