નેત્રંગના કાંટીપાડા પાસે કારને ટક્કર મારી ભાગેલો ટ્રક ચાલક સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાતાં ગંભીર ઇજા
નેત્રંગના કાંટીપાડા નજીક ટ્રક, કાર અને સામેથી આવતી અન્ય ટ્રક સાથે ટ્રીપલ અકસ્માત થતાં 3 લોકોને ઇજા પહોંચી હતી. બે ટ્રકના ડ્રાઇવર કેબિનમાં ફસાઇ જતાં ભારે જહેમત બાદ તેમને બહાર કાઢવામાં આવ્યાં હતાં. રાજકોટના ગોંડલ તાલુકાથી માલ ભરીને ટ્રકનો ડ્રાઇવર મુકેશ પરમાર રાજપીપળાથી નેત્રંગવાળા રસ્તે આવી રહ્યો હતો તે અરસામાં કાંટીપાડા ગામ પાસે તેની આગળ ચાલતી કારને પાછળથી ટક્કર મારી હતી. કારને ટકકર વાગી જતાં ટ્રક ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો તે સમય દરમિયાન સામેથી આવતી એક ટ્રક સાથે અકસ્માત થયો હતો. બંને ટ્રક સામ-સામે અથડાતાં બંનેના ડ્રાઇવરો કેબિનમાં ફસાઇ ગયાં હતાં. તેમને પતરા કાપીને બહાર કાઢવામાં આવ્યાં હતાં. બીજી તરફ ટ્રકની ટકકરથી કાર પણ પલટી ગઇ હતી.આ અકસ્માતમાં કુલ 3 લોકોને ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
રિપોર્ટર:- કેતન મહેતા, નેત્રંગ