મામૂલી રકમ માટે કોસ્ટગાર્ડના શિપના ફોટો અને નામ પાકિસ્તાની જાસૂસને મોકલી દેશવિરોધી કૃત્ય આચર્યું
ફેસબૂક પર હિન્દુ યુવતીનું નામ ધારણ કરી પાકિસ્તાન આર્મીની નેવી પાંખની મહિલા જાસૂસે પોરબંદરના યુવક સાથે મિત્રતા કરી સોશિયલ મીડિયાથી જેટી પર હાજર હોય તેવા કોસ્ટગાર્ડના શિપની માહિતી મંગાવી હતી. મામૂલી રકમ માટે પાકિસ્તાની જાસૂસને કોસ્ટગાર્ડના શિપના ફોટો અને નામ આરોપીએ મોકલ્યા હતા.
એટીએસની તપાસમાં પોરબંદરમાં તમાકુની ફેક્ટરીમાં પેકીંગ કામ કરતા તેમજ કોસ્ટગાર્ડમાં વેલ્ડર તરીકે કાર્યરત યુવકે કોસ્ટગાર્ડની માહિતી આરોપીને મોકલી દેશવિરોધી કૃત્ય આચરી સુરક્ષા સાથે ગંભીર ચેડા કર્યા હતા.
યુવકના ખાતામાં આઠ મહિના દરમિયાન આરોપીના ખાતામાં જુદા જુદા 11 બેંક ખાતામાંથી 26 હજાર રૂપિયા મોકલાયા હતા એટીએસએ પોરબંદરના કે.કે.નગર વિસ્તારમાં રહેતા આરોપી યુવક પંકજ દિનેશભાઈ કોટીયા ની ધરપકડ કરી પાકિસ્તાન સ્થિત આઈડી ઓપરેટ કરતી રિયા નામની જાસૂસ અંગે તપાસ શરૂ કરી છે.
ગુજરાત એટીએસના અધિકારીઓને ગુપ્ત બાતમી મળી હતી કે, કોસ્ટગાર્ડમાં વેલ્ડર અને તમાકુ ફેક્ટરીમાં પેકીંગ કામ કરતો પંકજ દિનેશ કોટીયા પોરબંદર કોસ્ટગાર્ડ જેટી અને જેટી ઉપરની ભારતીય બોટો અંગેની સંવેદનશીલ માહિતી પોતાના મોબાઈલ ફોનથી સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર પાકિસ્તાન આર્મી કે જાસૂસી સંસ્થાને મોકલી આર્થિક લાભ મેળવે છે. આ બાતમી આધારે એટીએસએ આરોપી પંકજ કોટીયાને અમદાવાદ ઓફિસે પૂછપરછ માટે બોલાવી તપાસ કરી હતી. આરોપીએ પેકીંગ કામ કરતો હોવાનું તેમજ છેલ્લા એક વર્ષથી કેટલીક વાર પોરબંદર જેટી પર કોસ્ટગાર્ડની શિપનું વેલ્ડીંગ કામ પણ કરે છે. પંકજે કબુલાત કરતા જણાવ્યું કે, આઠ માસ પહેલા ફેસબૂક પ્રોફાઈલ પર રિયા નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. રિયાએ પોતે મુંબઈની હોવાનું અને પાકિસ્તાન નેવી માટે કામ કરતી હોવાનું જણાવ્યું હતું. રિયાએ પંકજ સાથે વોટસએપથી સંપર્ક શરૂ કરી પૈસાની લાલચ આપી પોરબંદર જેટી ઉપર હાજર હોય તેવી શિપના નામ કોસ્ટગાર્ડના શિપના લોકેશન સહિતની માહિતી માંગી હતી. આઠ માસ દરમિયાન પંકજ જેટી પર હાજર હોય તેવી કોસ્ટગાર્ડની શિપના નામ વગેરે લખીને વોટસએપ પર પાક.જાસૂસ રિયાને મોકલતો હતો. આ માહિતી પહોંચાડવા બદલ ફેબ્રુઆરી-2024થી શુક્રવારે સુધીમાં આરોપી પંકજને જૂદા જૂદા 11 જેટલા બેંક ખાતામાંથી રૂ.26 હજારની રકમ યુપીઆઈથી મોકલાઈ હતી. એટીએસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, પંકજ જે રિયા સાથે વોટસએપ ચેટ કરતો તે એકાઉન્ટની આઈડી પાકિસ્તાનથી ઓપરેટ થતી હતી. પંકજને જૂદા જૂદા યુપીઆઈ આઈડીથી આવેલી રકમના બેંક ખાતા અંગે પણ એટીએસ દ્વારા તપાસ ચાલી રહી છે. એટીએસના એસ.પી. કે સિધ્ધાર્થે જણાવ્યું હતું કે, પંકજ કોટીયા સાથે અન્ય કોઈ ઈસમો જાસૂસી પ્રકરણમાં સંડોવાયેલા છે કે કેમ તેની તેમજ જે બેંક ખાતામાં પંકજને પૈસા મળ્યા તેના ધારકો અંગે તપાસ ચાલી રહી છે. એ વાત ચોક્કસ છે કે, પંકજે મામુલી રકમ માટે પોરબંદર જેટી પરના કોસ્ટગાર્ડ શિપની વિગતો પાક.જાસૂસને મોકલી છે. બે મિત્ર કોસ્ટગાર્ડમાં હોવાથી આરોપીને વેલ્ડર તરીકે લઈ જતા પંકજ કોટીયાના બે મિત્ર કોસ્ટગાર્ડમાં કામ કરતા હોવાથી તેઓ તેને પણ વેલ્ડર તરીકે લઈ જતા હતા. આ તકનો લાભ ઉઠાવીને પંકજે કોસ્ટગાર્ડના શિપોના ફોટો અને નામ આરોપીઓને મોકલી આપ્યા હતા.