ભચાઉ ખાતે આવેલ સામખિયાળીમાંથી 23.91 લાખના માદક પદાર્થ હેરોઇન સાથે એક શખ્સ ઝડપાયો
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભચાઉ ખાતે આવેલ સામખિયાળીમાંથી 23.91 લાખના માદક પદાર્થ હેરોઇન સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવેલ છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભચાઉ ખાતે આવેલ સામખિયાળી ટોલ પ્લાઝાથી સામખિયાળી ગામ તરફ જતાં રાષ્ટ્રીય ધોર માર્ગ સર્વિસ રોડ પોલીસ મથક નજીક એક શખ્સ માદક પદાર્થનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળા સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરવામાં આવતા બસના પીકઅપ સ્ટેન્ડમાં સુતેલા શખ્સને જગાડી પોલીસે તેની તપાસ હાથ ધરી હતી. હાથ ધરવામાં આવેલ તપાસ દરમ્યાન આ શખ્સનાં ઝબ્બાના બંને ખિસ્સામાંથી બે પરદર્શક પ્લાસ્ટીકની કોથળી નીકળી પડી હતી. ગાંઠ વાળેલી કોથળી ખોલી તેમાં તપાસ કરાતા તેમાં સફેદ રંગના જુદા જુદા આકારના ગાંગડા મળી આવ્યા હતા. તેમજ બીજી કોથળીમાં આછા બદામી રંગનો ગઠો મળી આવ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે એફ.એસ.એલ. અધિકારીઓ દ્વારા આ ચીઝ વસ્તુઓનું પ્રાથમિક પૃથ્થકરણ કરવામાં આવતા આ માદક પદાર્થ હેરોઇન હોવાનું સામે આવ્યું હતું. પકડાયેલ શખ્સ પાસેથી કુલ રૂા. 23,91,500નો 47.830 ગ્રામ હેરોઇનનો જથ્થો કબ્જે કરવામાં આવેલ હતો. આટલી મોટી માત્રામાં હેરોઇનનો જથ્થો તેણે કયાંથી લીધો હતો. અને અહીં ખરેખર કોને આપવાનો હતો તે અંગે પુછપરછ દરમ્યાન તેણે સાચી હકીકત જણાવી ન હતી. આ મામલે આ તમામ બાબતોની સઘન તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.