ભુજમાં ચાંદી રિફાઈનરીંગની દુકાનમાંથી 16.70 લાખની ચાંદીની તસ્કરી થતાં ચકચાર : સમગ્ર મામલો પોલીસ ચોપડે નોંધાયો
copy image

ભુજમાં ચાંદી રિફાઈનરીંગની દુકાનમાંથી 16.70 લાખની ચાંદીની તસ્કરી થતાં ભારે ચકચાર પ્રસરી છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના જી.આઈ.ડી.સી. ખાતે આવેલી ચાંદી રિફાઈનરીંગની દુકાનની બારી તોડી તેમાંથી આશરે 25 કિલો કાચી ચાંદી કિંમત રૂા. 16,70,000ની ઉઠાંતરી થઈ છે ઉપરાંત હિમાચલ પ્રદેશના નવા બે કામદારો અચાનક ગાયબ થઈ જતાં આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, આ મામલે રામચંદ્ર કાકા સાળુંખે દ્વારા બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી મૂળ મહારાષ્ટ્રના છે અને છેલ્લા પાંત્રીસ વર્ષથી પરિવાર સાથે ભુજ સ્થાઈ થઈ ચાંદી કામનો વેપાર કરે છે. ભુજના જીઆઈડીસીમાં ચાંદી રિફાઈનરીંગની તેમની દુકાન છે. જીઆઈડીસીની દુકાનનું કામ છેલ્લા બાર વર્ષથી હિમાચલ પ્રદેશમાં રહેતા પવનકુમાર ઠાકુર અને પ્રિતમચંદ ઠાકુર નામના બે શખ્સો સંભાળતા હતા. પરંતુ સપ્ટેમ્બર બન્ને સામાજીક પ્રસંગોને લઈ એક મહિના માટે વતન જવાના હોવાથી તેની અવેજીમાં પ્રિતમચંદનો સાળો અજયકુમાર લચ્છુરામ ઠાકુર અને પવનકુમારના ઓળખીતા રમેશચંદ ત્રિલોકચંદ ઠાકુર ભુજ આવી દુકાનનું ચાંદી રિફાઈનરીંગનું કામકાજ સંભાળી દુકાનની ઉપર આવેલા રૂમ પર રહેતા હતા. વધુમાં ફરિયાદમાં જણાવવામાં આવેલ છે કે આ કામદારો નવા હોવાથી આ દુકાનની ચાવી રોહિત સાંવત પાસે રહેતી હતી. ગત તા. 13/10ના સવારે રોહિત દુકાન ખોલી જોતા દુકાનની બારી તૂટેલી હતી અને દુકાનમાં કામ કરતા નવા કામદારો અજયકુમાર અને રમેશચંદ હાજર મળ્યા ન હતા. દુકાન ખોલીને જોતાં તેમાં આશરે 25 કિ.ગ્રા. કિ. રૂા. 16,70,000ની કાચી ચાંદી ગાયબ જણાઈ હતી. બાદમાં નવા આવેલ કામદારોનો સંપર્ક કરતાં તેઓના ફોન બંધ જણાતા સમગ્ર મામલો પોલીસ મથકે નોંધાવવામાં આવેલ છે. આ મામલે પોલીસે નોંધાવેલ ફરિયાદના આધારે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.