દેશ હજુ કોરો; પૂર્વોત્તરમાં પૂરપ્રકોપ
ભારત દેશનું ઉત્તર-પૂર્વ પડખું પૂર પ્રકોપથી પરેશાન છે. અરુણાચલ પ્રદેશ તેમજ આસામમાં અનરાધાર વરસાદનાં કારણે ધસમસતા પૂરના પ્રવાહમાં બાવીસ હજારથી વધુ લોકો બેઘર, બેહાલ બની ગયા છે. અરુણાચલના 12 જિલ્લામાં પૂરની સાથે ભૂસ્ખલનથી માર્ગો, મકાનોને ભારે નુકસાન થઈ ગયું હતું, તો ત્રણ લોકોનાં મોત થઈ ગયાં છે.મળતી માહિતી મુજબ આસામ ના 96 ગામ પૂરના પાણીમાં ડૂબી ગયાં છે. આ રાજ્યના 22 હજારથી વધુ લોકો પાસેથી પૂરે ઘરની છત છીનવી લીધી હતી. આસામમાં લોખંડનો 300 મીટર લાંબો પુલ પૂરના પ્રવાહથી તૂટી ગયો હતો. બન્ને રાજ્યના રસ્તા, મકાનો, વાડી-ખેતરોમાં પાક તબાહ થઈ ગયા છે. અરુણાચલથી આવતાં પૂરનાં પાણીના ખતરનાક પ્રવાહથી આસામના થેમાજી જિલ્લામાં પૂર પ્રકોપની વિનાશક પરિસ્થિતિ સર્જાઈ છે. બન્ને રાજ્યોમાં ઘર સહિત સઘળું ખોઈ બેસતાં ભાંગી પડેલા લોકોએ રડતાં રડતાં કહ્યું હતું કે, અમે જીવનમાં સર્વસ્વ ખોઈ દીધું… આ સમય દુ:સ્વપ્ન જેવો લાગે છે. આસામ સરકારે અનેક જિલ્લામાં હાઈએલર્ટ જારી કર્યું હતું. દેશના ગૃહમંત્રી અમિત શાહે બન્ને પુરપીડિત રાજ્યોને કેન્દ્ર તરફથી તમામ સંભવ મદદની ખાતરી આપી હતી.