1 જુલાઈથી બદલાઈ જશે પેટ્રોલ-ડીઝલ સંબંધિત નિયમો
copy image

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના મોટા ખરીદદારો માટે રાહતનો નિર્ણય લીધો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક આપૂર્તિમાં જે અડચણો આવી હતી, તેને ધ્યાને રાખીને ભારત સરકારે ઈંધણના વેચાણ ઉપર અમુક આકરા પ્રતિબંધો લાગુ કર્યા હતા. હવે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ સરકારે પ્રતિબંધોને હટાવવાનું એલાન કર્યું છે. સરકારી આદેશ અનુસાર પહેલી જુલાઈથી પ્રતિબંધો દુર થઈ જશે અને પેટ્રોલ પંપ-રિટેલ સ્ટેશનો ઉપર પહેલાની જેમ સામાન્ય રૂપથી ઈંધણ ઉપલબ્ધ થશે. સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધની સૌથી મુખ્ય અસર વ્યવસાયિક ઉપયોગ માટે ઈંધણ ખરીદતા લોકો ઉપર પડી હતી. જેના હેઠળ કોમર્શિયલ ખરીદદારોને સીધા રિટેલ સ્ટેશનોથી પેટ્રોલ અને ડીઝલ ખરીદવાથી રોકી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્થાનીક સ્તરે ઈંધણની કમીને રોકવા માટે સરકારે ડીઝલની દરરોજની ખરીદી ઉપર મર્યાદા લાગુ કરી હતી. એટલે કે કોઈપણ વ્યવસાયીક એકમ એક દિવસમાં નક્કી પ્રમાણ કરતા વધારે ડીઝલ ખરીદી શકતા નહોતા. જો કે હવે આ તમામ પ્રતિબંધ હટાવી લેવાયા છે. સોમવારે સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા સત્તાવાર આદેશમાં સ્પસ્ટ કરવામાં આવ્યું હતું કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણ ઉપર થોડા સમય પહેલા લગાડવામાં આવેલા પ્રતિબંધોને હટાવી લેવાયા છે. આ સરકારી આદેશ મુજબ ઈંધણની ખરીદી અને વેચાણને લઈને લાગુ કરવામાં આવેલી રોક પહેલી જુલાઈથી સમાપ્ત કરી દેવામાં આવશે. એટલે કે પહેલી જુલાઈથી પેટ્રોલ પંપ અને રિટેલ સ્ટેશનોથી પહેલાની જેમ સામાન્ય રૂપે ઈંધણ ઉપલબ્ધ થવા લાગશે. સરકારના આ ફેંસલાથી બન્ને મહત્ત્વનાં ઈંધણોના પુરવઠા સાથે જોડાયેલી ચિંતા હળવી બની હોવાનો સ્પષ્ટ સંકેત મળ્યો છે, જેના પગલે લોકોમાં પણ હાશકારો અનુભવાયો છે. આમ, પહેલી જુલાઈથી ધંધાદારી પરિવહનકારો તેમજ ઉદ્યોગોને પોતાની જરૂરત મુજબ ઈંધણ સરળતાથી મેળવવામાં મદદ મળશે.