નેપાળમાં ફસાયા 52 ભારતીય શ્રદ્ધાળુઓ, વિદેશ મંત્રાલયે જાહેર કરી નવી એડવાઇઝરી
copy image

નેપાળના રસ્તે કૈલાશ માનસરોવર યાત્રા માટે નીકળેલા 52 ભારતીય શ્રદ્ધાળુઓ ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ પૂરા ન હોવાને કારણે નેપાળમાં ફસાયા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારના વિદેશ મંત્રાલયે આ રૂટ પરથી જતા મુસાફરો માટે એક નવી એડવાઇઝરી જાહેર કરી છે. મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને શ્રદ્ધાળુઓને વિનંતી કરી છે કે તેઓ કોઈપણ ખાનગી ટૂર ઓપરેટર સાથે મુસાફરી શરૂ કરતા પહેલા પોતાના તમામ દસ્તાવેજો અને ઓપરેટરના રજીસ્ટ્રેશનની યોગ્ય તપાસ કરી લે. ડોક્યુમેન્ટ્સ પૂરા ન થાય ત્યાં સુધી ભારત છોડવું નહીં વિદેશ મંત્રાલય દ્વારા સ્પષ્ટપણે કહેવાયું છે કે જરૂરી દસ્તાવેજો જેવા કે પરમિટ અને વિઝા મેળવ્યા વિના માત્ર આશાના આધારે યાત્રા શરૂ કરવી યોગ્ય નથી. આનાથી રસ્તામાં ફસાઈ જવાની શક્યતા વધી જાય છે. તેથી તમામ પ્રક્રિયાઓ સુનિશ્ચિત થયા પછી જ ભારતમાંથી પોતાની યાત્રા શરૂ કરવી. ઉલ્લેખનીય છે કે, નેપાળના રસ્તે કૈલાશ માનસરોવરની યાત્રા લાંબા સમયથી ચાલી આવે છે. તાજેતરમાં જ ભારત અને ચીન વચ્ચે પરસ્પર સહમતિ બન્યા બાદ અન્ય બે રૂટ પરથી પણ આ યાત્રા શરૂ કરવામાં આવી છે અને થોડા દિવસો પહેલા જ વર્ષ 2026 નો પહેલો જથ્થો ચીન માટે રવાના થયો હતો.

સાંસદ સુપ્રિયા સુલેએ ઉઠાવ્યો આ મુદ્દોનેપાળમાં ફસાયેલા આ 52 ભારતીયોનો મુદ્દો સૌથી પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સાંસદ સુપ્રિયા સુલેએ ઉઠાવ્યો હતો. તેમણે વિદેશ મંત્રાલયને ચીન અને નેપાળમાં આવેલા ભારતીય દૂતાવાસો નો સંપર્ક કરીને આ શ્રદ્ધાળુઓને તાત્કાલિક મદદ પૂરી પાડવા અપીલ કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં સુલેએ લખ્યું, “કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા અંદાજે 52 ભારતીય નાગરિકો અત્યારે નેપાળના કાઠમંડુમાં ફસાયેલા છે. તેમને તાત્કાલિક સહાયની જરૂર છે.” તેમણે વિદેશ મંત્રી એસ. જયશંકરને વિનંતી કરીને મુસાફરોની સુરક્ષા અને તેમના ખાવા-પીવાની વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.