ગાંધીધામમાથી પ્રતિબંધિત વિદેશી ઈ-સિગારેટ વેચતા શખ્સને પોલીસે ઝડપ્યો
ગાંધીધામમાથી પ્રતિબંધિત વિદેશી ઈ-સિગારેટ વેચતા શખ્સને ઝડપી પાડવામાં આવેલ છે.આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સ્થાનિક પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામમાં શહેરના 400 કવાર્ટર વોર્ડ-12-બી મકાન નંબર 72-73 પાસે એક શખ્સ કાળા રંગના થેલામાં પ્રતિબંધિત ઈ-સિગારેટ ભરી બેઠો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી વાળા સ્થળ પર દારોડો પાડી સિગારેટ વેચતા પ્રિન્સ પ્રકાશ ગુવાલાણી નામના આરોપી શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી જુદા-જુદા ફલેવર, બ્રાન્ડની સીગારેટનાં 15 પેકેટ કિંમત રૂા. 20,500નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. આ શખ્સ પાસે પ્રતિબંધિત સિગારેટ કયાંથી આવી તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.