વડોદરા, દમણથી કારમાં વિદેશી શરાબના પાઉચ ભરીને વડોદરા આવતા વલસાડના પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ શખ્સોને પાણીગેટ પોલીસે પકડી પાડી વધુ તજવીજ માટે રિમાન્ડ મેળવી છે. આ અંગેની વિગત એવી છે કે પાણીગેટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.જી. કરડાણી તથા સ્ટાફના પોલીસ જવાનો વિસ્તારમાં વાહન ચેકિંગ કરતા હતા. વહેલી સવારના અરસામાં વાઘોડિયા રોડ ઉકાજીના વાડિયા નજીકથી પસાર થતી એક કારને ઉભી રાખી તલાશી કરતા કારમાંથી વિદેશી શરાબના ૫૭૬ પાઉચ કિંમત રૂપિયા ૫૭,૬૦૦ના મળી આવ્યા હતા. જેની પરમિટ ન હોઇ પોલીસે કારમાં બેઠેલા ત્રણ શખ્સો પુનીત લાલક્રિશ્ન ગુપ્તા, પ્રવિણ નરસિંહભાઇ ગુડોલ તથા સાગર પ્રકાશભાઇ પ્રજાપતિની અટક કરી હતી. પોલીસે કુલ રૂપિયા ૪.૩૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે શખ્સોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા જણાવ્યું હતું કે, શરાબ દમણમાં કોની પાસેથી લાવ્યા ? તેની તપાસ કરવાની છે. ઈસમ પ્રવિણ ગુડોલ વલસાડ રૂરલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. શખ્સ પુનીત અને સાગર અગાઉ પણ પ્રોહિબીશનના ગુનાઓ નોધાયા છે. કોર્ટે શખ્સોની બે દિવસની રિમાન્ડ મંજૂર કરી છે.