ઓટોરિક્ષામાં પેસેન્જરોની નજર ચુકવીને કિંમતી સર સામાનની તસ્કરી કરતી સુરત ભેસ્તાનની ગેંગને ક્રાઈમ બ્રાન્ચે ફતેપુરા ભાંડવાડાના નાકેથી પકડી પાડી હતી. ટોળકીના ત્રણ સભ્યો પાસેથી રિક્ષા સહિત કુલ રૂ.૧.૧૭,૭૦૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને સિટી પોલીસે અનડિટેકટ ગુનામાં અટક કરવામાં આવી છે. ડી.સી.પી. ક્રાઈમ જયદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, ક્રાઈમ બ્રાન્ચની ટીમે રવિવારે સવારના અરસામાં ફતેપુરા ભાંડવાડા નાકેથી કરીમ ઉર્ફે ભુરિયો ઈસા શેખ, ઈમરાનખાન ઈબ્રાહિમખાન પઠાણ અને અશરફ ખાન રુસ્તમખાન પઠાણ (ત્રણે રહે, ભેસ્તાન, સુરત)ને ઓટો રિક્ષા સાથે શંકાસ્પદ હાલતમાં પકડી પાડયા હતા. જેઓની પૂછપરછમાં એવી વિગતો સપાટી ઉપર આવી હતી કે આ ટોળકી ગુનાઓ આચરવા માટે ખાસ સુરતથી વડોદરા આવતી હતી અને પેસેન્જરોને રિક્ષામાં બેસાડીને તેમની નજર ચુકવીને કિંમતી સરસામાનની તસ્કરી કરતી હતી. હાલ સિટી પોલીસ સ્ટેશનમાં લખાવેલા એક અનડિટેકટ ગુનાનો ભેદ ઉકેલાતા તેઓની અટક કરવામાં આવી છે.