આદિપુરમાં અબોલ પશુની ક્રુરતાથી હત્યા નિપજાવનાર શખ્સો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
copy image

આદિપુરમાં અબોલ પશુની હત્યાથી ભારે ચકચાર મચી જવા પામી છે ત્યારે આ અંગે ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુરના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ચાર શખ્સોએ શ્વાનને ધોકા-પથ્થર વડે માર મારી તેનું મૃત્યુ નિપજાવ્યું હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. આ મામલે આદિપુરના વોર્ડ 1-બી, જી.આઇ.ડી.સી.માં રહેનાર ફરિયાદીના જણાવ્યા અનુસાર તેઓ ગત તા. 22/12ના રાત્રે ઘરે હતા તે સમયે ત્યારે બાજુમાં દુકાન ધરાવતા હિતેશ ભીલને ફોન કરી ઘરની બાજુમાં ભુરા રંગનું કૂતરું હતું તે ક્યાંય જોયેલ છે તેમ તપાસ કરતાં ચાર શખ્સે તે કૂતરાને માર મારી કોથળામાં પૂરીને નાખી આવેલ હોવાની વિગતો સામે આવી હતી. બાદમાં બનાવ સ્થળે લાગેલ સી.સી.ટી.વી. કેમેરા તપાસ કરતાં ત્રણ શખ્સ ધોકા વડે અને એક શખ્સ પથ્થરો વડે આ મૂંગા પશુને માર મારતા હોવાનું તથા તેને પતાવી નાખી કોથળામાં નાખીને બહાર જતાં હોવાનું જોવા મળ્યું હતું. જે અંગે પોલીસ મથકે આ તમામ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.