દાહોદ શહેરમાં બસ સ્ટેશનની સામે આવેલી હોટેલમાં રૂમ રાખી આઇપીએલ પર સટ્ટો રમતાં પાંચ નબીરાને પોલીસે પકડી પાડયા હતા. જ્યારે ત્રણ સટોડિયા પલાયન થઇ ગયા હતા. પોલીસે રૂ.૭૦,૩૭૦ નો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે. દાહોદ શહેરમાં બસ સ્ટેશનની સામે આવેલી હોટેલમાં તેની નજીક જ ઠક્કર ફળિયામાં રહેતા દેવેન્દ્ર દિલીપ ભામી રૂમ બુક કરાવવા ગયો. ત્યારે મારા પરિવારમાં તકરાર ચાલી રહી છે અને તેનુ નિરાકરણ થશે ત્યારે હું રૂમ ખાલી કરી દઇશ કહી રૂમ લીધો હતો. સાંજના અરસામાં કેટલાક યુવાનો ભેગા થઇને હોટેલના રૂમમાં આઇપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી રાત્રિના અરસામાં પોલીસે દરોડો પાડયો હતો. તે સમયે દાહોદના ધવલ સુનિલ અગ્રવાલ, દેવેન્દ્ર દીલીપ ભામી,અર્પિત રાજેશ દોશી, શુભમ નરેન્દ્ર અગ્રવાલ તથા નવાઝ અલી આરીફ સૈયદને પકડી પાડયા હતા. જ્યારે દાહોદના ઝુબેર બજારીયા, અરબાઝ બેગડી તેમજ આસીફ અરબ મળી આવ્યા ન હતા. પોલીસે અંગ ઝડતીના રૂ.૮,૮૭૦ મળી કુલ રૂ.૭૦,૩૭૦ નો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.