કચ્છમાં પ્રાકૃતિક કૃષિની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

        ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે સતત માર્ગદર્શન આપીને નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે કચ્છ કલેક્ટરશ્રી અમતિ અરોરાના અધ્યક્ષસ્થાને કચ્છમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે હેતુથી માસિક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

કચ્છના આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી કલ્પેશ મહેશ્વરીદ્વારા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે કરવામાં આવી રહેલા વિવિધ પ્રયાસો અંગે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાને માહિતગાર કરવામાં આવ્યા હતા. જે બાદ જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રાકૃતિક કૃષિના લાભ ખેડૂતોને સમજાવીને પ્રાકૃતિક પેદાશોના વાવેતર સાથે જ તેના વેચાણ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસાવવા, ખેડૂતોની ઇ-બુક તૈયાર કરવા, ખેડૂતોની પ્રાકૃતિક કૃષિ હેઠળની જમીનનું જીઓ મેપીંગ કરવા અંગે સૂચન કર્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ  નેચરલ ફાર્મ સ્ટે, એફપીઓ અને જીવામૃત/ઘનામૃત માટે વધુમાં વધુ ગૌશાળાઓને જોડવા જેવી બાબતો ઉપર ભાર મૂક્યો હતો.

        આત્મા દ્વારા જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમને જિલ્લામાં ચાલી રહેલા પ્રાકૃતિક કૃષિના અભિયાન અંગે જાણકારી આપવામાં આવી હતી. કલેકટરશ્રી દ્વારા  કલસ્ટરબેઝ તાલીમ, કલસ્ટર, તાલુકા અને જિલ્લાકક્ષાએ વેચાણ કેન્દ્રો, વિવિધ ખેડૂતલક્ષી સહાય યોજનાઓના લાભાર્થી, પ્રાકૃતિક કૃષિના પંચસ્તરીય મોડલ ફાર્મના જમીનના એકત્રીકરણ અને પૃથ્થકરણની કામગીરી, દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના, પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત-ઘન જીવામૃત બનાવવા તથા વિતરણ માટે માળખાકીય સુવિધા માટે સહાય, રાસાયણિક ખાતરના વપરાશના ડેટા સહિતની બાબતની સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં કલેકટરશ્રી અમિત અરોરાએ આરકેવીવાય યોજના અંતર્ગત એફપીઓ અને નાબાર્ડ જેવી સંસ્થાઓના સંકલનમાં રહી NCDEX  માન્ય સ્ટોરેજ યુનિટની સ્થાપના, જીરૂ પ્રોસેસીંટ પ્લાન્ટ, પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેન્દ્રો વધારવા સહિતના મુદે ચર્ચાવિચારણા સાથે જરૂરી સૂચના આપવામાં આવી હતી.

        આ સમીક્ષા બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કે.ઓ.વાઘેલા, નાયબ ખેતી નિયામક વિસ્તરણશ્રી પી.કે.પટેલ,  નાયબ બાગાયત નિયામકશ્રી મનિષ પરસાણિયા,  નાયબ માહિતી નિયામકશ્રી ઘનશ્યામ પેડવા, સર્વે મદદનીશ ખેતી નિયામકશ્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.