વરણામાના કોન્સ્ટેબલનાં ઘરમાંથી બપોરના અરસામાં દાગીનાની ચોરી

વડોદરા,વરણામા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલના હુજરાતપાગા જુની પોલીસ લાઇન ખાતેના ઘરમાં બપોરના અરસામાં ત્રાટકેલા તસ્કરો તિજોરીમાંથી સોનાના દાગીના અને મોબાઇલ ફોન ચોરી કરી ગયા હતાં. કોયલી ફળીયા નજીક આવેલી જુની પોલીસ લાઇનમાં રહેતા વિજયસિંહ રાઠોડ વરણામા પોલીસ સ્ટેશનમાં સવારના અરસામાં નોકરી ગયા હતાં. ઘરમાં હાજર તેમના પત્ની સંગીતાબેન બપોરના અરસામાં પાડોશમાં રહેતા મંજુલાબેન સાથે મંગળબજારમાં ખરીદી કરવા માટે ગયા હતાં. તેઓ ત્રણ વાગે પાછા ફર્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો. દરવાજાને મારેલું તાળુ કોઇ તસ્કરે તોડી નાંખ્યું હતું અને અંદર પ્રવેશી રૃમમાં મુકેલી લોખંડની તિજોરીનો સામાન વેરવિખેર કરી નાંખેલો જણાયો હતો. તસ્કરો તિજોરીનાં ડ્રોવરમાં મુકેલ સોનાનું મંગળસૂત્ર, પેન્ડલ સાથેની ચેન, બે જોડ બુટ્ટી, ચાર વીંટી અને એક મોબાઇલ મળી કુલ રૂ.૧.૪૭ લાખની મત્તા ચોરી કરી ગયા હતાં. ચોરીના આ બનાવની ફરિયાદ સંગીતાબેને સીટી પોલીસ સ્ટેશનમાં લખાવતા પોલીસના ઘેર ત્રાટકેલા તસ્કરોનું પગેરું મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *