કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે દેવજીભાઈ વરચંદ પુનઃ વરાયા

આજરોજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે સંકલન કરીને કચ્છ જિલ્લા ભાજપના ક્લસ્ટર ઇન્ચાર્જ આઈ. કે. જાડેજા, જિલ્લા ભાજપ ચૂંટણી અધિકારી કમાભાઈ રાઠોડ તેમજ જિલ્લા ભાજપના પ્રભારી કશ્યપભાઈ શુક્લાની સંયુક્ત ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે સતત બીજી મુદ્દત માટે દેવજીભાઈ હીરાભાઈ વરચંદના નામની જાહેરાત કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે શ્રી વરચંદની પુનઃ વરણી થતા પક્ષના આગેવાનો, હોદેદારો, પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા તેમના પર રૂબરૂ અથવા વિવિધ માધ્યમો દ્વારા અભિનંદન વર્ષા કરીને શ્રેષ્ઠ ભાવિ કામગીરીઓ માટે અનેકાનેક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ઉક્ત શુભેચ્છા કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના મહામંત્રી તથા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ પણ વિશેષપણે ઉપસ્થિત રહીને જીલ્લા ભાજપ સંગઠનની શિરમોર જવાબદારી સતત બીજી વખત સંભાળવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવા બદલ શ્રી વરચંદને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી વરચંદ પાર્ટીમાં વિવિધ જવાબદારીઓનું સંપૂર્ણ નિષ્ઠા સાથે સફળતાપૂર્વક વહન કરતા આવ્યા છે જેમાં ગત મુદતની તેમની પ્રમુખ તરીકેની કારકિર્દીમાં લોકસભા ચૂંટણી દરમિયાન કચ્છ બેઠક પર ભારતીય જનતા પાર્ટીને જાજરમાન વિજય પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત તેમણે સફળતાપૂર્વક સદસ્યતા અભિયાન પરિપૂર્ણ કર્યું હતું તેમજ તાજેતરમાં જ ભચાઉ, રાપર નગરપાલિકાઓ સહિત ત્રણ તાલુકા પંચાયત બેઠકોની પેટા ચૂંટણીમાં પાર્ટીને ઝળહળતી સફળતા અપાવવામાં તેમના મજબૂત નેતૃત્વનો સિંહફાળો રહ્યો હતો. આ ઉપરાંત ભુજ તાલુકા, રાપર શહેર તથા ગાંધીધામ શહેરના પ્રભારી, જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ તેમજ પ્રદેશ કારોબારી સભ્ય તરીકેની વિવિધ જવાબદારીઓનું તેમણે ઉત્કૃષ્ટપણે વહન કર્યું હતું. આ પ્રસંગે મનોભાવો વ્યક્ત કરતા શ્રી વરચંદે જણાવ્યું હતું કે એક જમીની સ્તરના પાયાના કાર્યકરને સમય આવ્યે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવી એ માત્ર ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી અને પરંપરાને જ આભારી છે. સમગ્ર કચ્છ જીલ્લા ભાજપ એક પરિવારની ભાવનાથી કામ કરતું રહ્યું છે અને આગળ પણ સમગ્ર જીલ્લા ભાજપ એ જ દિશામાં, એ જ ભાવ સાથે, એના એ જ જોશ, જુસ્સા અને સંકલ્પ સાથે સંગઠનાત્મક કાર્યોની તીવ્રતામાં વધારો કરીને વધુને વધુ માત્રામાં પ્રજાકીય કાર્યોમાં પ્રવૃત રહેશે. અંતે તેમણે ઉમેર્યું હતું કે રાષ્ટ્ર પ્રથમની ભાવનાયુક્ત ભાજપની મૂળભૂત વિચારધારા મારી રગેરગમાં વહી રહી છે જે અનુસાર મારી સમગ્ર ઉર્જા, સમગ્ર સમય અને સંપૂર્ણ શેષ જીવન પાર્ટીના માધ્યમથી દેશહિત અને જનકલ્યાણકારી કાર્યોમાં વ્યતિત કરીશ. આજની આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, જિલ્લા ભાજપના મહામંત્રીઓ દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ સહિત પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, જિલ્લા ભાજપના વિવિધ હોદેદારો તેમજ મંડલ પ્રમુખો સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતન કતીરાની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.