વાવડીની સીમમાં આવેલ વાડીના આઠ બોરમાંથી રૂ. 2.25 લાખના વાયરની ચોરીનો મામલો પોલીસ ચોપડે ચડ્યો

copy image

ભુજ ખાતે આવેલ વાવડીની વાડીના આઠ બોરમાંથી 900 મીટર વાયર કિં. રૂા. 2,25,000ની ચોરી થઈ હોવાનો મામલો સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ સામૂહિક વાયર ચોરી અંગે રતનાલના ખેડૂત ત્રિકમભાઇ કાનાભાઇ માતા દ્વારા પધ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.જે અનુસાર ફરિયાદીની વાવડીની સીમમાં વાડી છે. તેઓ તા. 11/3ના રાતના 12 વાગ્યા સુધી ત્યાં જ હતા. બાદમાં બીજા દિવસે આવીને બોરની મોટર ચાલુ ન થતાં તપાસ કરતાં બંને બોરના 160 મીટર વાયર કપાઇ ગયો હોવાનું સામે આવ્યું હતું. તેમજ ફરિયાદીએ આસપાસ તપાસ કરતાં કરતાં બાજુમાં આવેલી વાડીના ખેડૂત સચિનભાઇ કાંતિલાલ મોમાયના એક બોરનો 250 મીટર વાયર, ભરતભાઇ વાસણભાઇ છાંગાના બે બોરમાંથી 160 મીટર અને ભગવાનજી સામજી છાંગાના બોરમાંથી 140 મીટર તેમજ ભરતભાઇ ત્રિકમભાઇ છાંગાના બોરનો 190 મીટર કેબલ એમ કુલ 900 મીટર વાયર જેની કિં. 2,25,000ની કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ફરાર થઈ ગયા છે. ત્યારે આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.