ભુજના મમુઆરા પાટિયા નજીક ટ્રકથી દાડમ ભરવા આવેલા હરિયાણાના યુવાનનું અસહ્ય ગરમીના લીધે લૂ લાગતાં હૃદયરોગના હુમલાથી મોત
copy image

ભુજ તાલુકાનાં મમુઆરા પાટિયા નજીક ટ્રકથી દાડમ ભરવા આવેલા હરિયાણાના 38 વર્ષીય યુવાનનું અસહ્ય ગરમીના લીધે લૂ લાગતાં હૃદયરોગના હુમલાથી મોત નીપજયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ટ્રકમાં દાડમ ભરવા આવેલો સિરાજુદ્દીન બપોરે ક્યાંક નીકળી ગયા બાદ 2.45 વાગ્યાના અરસામાં પગે ચાલીને મમુઆરા પાટિયા પાસેની ચાની કેબિન નજીક આવેલી કચ્છ ટાયર સર્વિસ નામની પંક્ચરની દુકાને રાખેલા ખાટલા ઉપર બેઠા બાદ થોડીવારમાં જ ઢળી પડયો હતો. આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવાનના મોત પાછળના કારણની તપાસ કરતાં અસહ્ય ગરમીના લીધે લૂ લાગતાં હૃદયરોગના હુમલાથી તેનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.