ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’ 15 મે, 2025 થી મુલાકાતીઓ માટે ખુલ્લી મુકાશે


ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ અંતર્ગત આવેલ સાયન્સ સિટી, અમદાવાદમાં એક નવીનત્તમ ગેલેરી, ‘એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’ તા. 15 મે, 2025થી મુલાકાતીઓ માટે ખુલ્લી મુકવામાં આવશે. સૌરમંડળની દિવ્ય રચના ઉપર આધારિત આ ગેલેરી એક અદ્દભુત શૈક્ષણિક અને માહિતીસભર હશે.
કુલ 12,797 ચોરસ મીટરના વિસ્તારમાં આવેલી આ ગેલેરીમાં મધ્યમાં સૂર્યનું પ્રતિનિધિત્વ કરતો, ત્રણ માળ જેટલો ઊંચો વિશાળ ગ્લોબ આવેલ છે. જેની ફરતે અન્ય ગ્રહોની ગોઠવણ પણ જોઈ શકાય છે. કુલ.
ત્રણ માળની બનેલી આ ગેલેરીમાં છ મુખ્ય વિભાગો આવેલા છે. ફંડામેન્ટલ્સ એન્ડ હિસ્ટ્રી વિભાગમાં 47 એક્ઝિબિટ્સ મુકવામાં આવ્યા છે, જે એસ્ટ્રોનોમીના મુળ સિદ્ધાંતો અને તેના ઈતિહાસની માહિતી આપે છે.
પ્રેઝન્ટ ગેલેરી વિભાગમાં વર્તમાન સમયને અનુલક્ષીને અવકાશ મિશન અને તેને લગતી શોધોના 30 જેટલા વિવિધ એક્ઝિબિટ્સ મુકવામાં આવેલ છે. આવી જ રીતે ફ્યુચર ગેલેરી વિભાગમાં સંશોધનના ભાવિ દ્રષ્ટિકોણને ખ્યાલમાં રાખી 24 એક્ઝિબિટ્સ બનાવવામાં આવ્યા છે. ભારતના એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સના યોગદાનને ધ્યાને રાખી ખાસ વિજ્ઞાન ગેલેરી પણ બનાવવામાં આવી છે. જેમાં વિવિધ 32 એક્ઝિબિટ્સનો સમાવેશ થાય છે. સ્ટેરલર ગેલેરીમાં વિવિધ તારાઓ અને તારામંડળોની રચનાની માહિતી આપતા 8 એક્ઝિબિટ્સ મુકવામાં આવ્યા છે. સાથે-સાથે વર્ચ્યુઅલ રિયાલીટી ગેલેરીમાં અવકાશનો વર્ચ્યુઅલ પ્રવાસ કરાવતા 4 એક્ઝિબિટ્સ મુકવામાં આવેલ છે. આ ઉપરાંત ચાર એટ્રિયમ આધારિત અને 6 આઉટડોર ઈન્સ્ટોલેશન પણ મુલાકાતીઓના અનન્ય અનુભવ આપશે.
ગુજરાત સાયન્સ સિટી દ્વારા ઊભી કરવામાં આવેલી આ ગેલેરીમાં વૈજ્ઞાનિક માહિતી તેમજ વિઝ્યુઅલ દ્વારા નવી પેઢી માટે બ્રહ્માંડની રસપ્રદ જાણકારી મેળવવાનું સ્થળ બનશે.
રિપોર્ટ બાય : અશ્વિન લીંબાચીયા, અમદાવાદ
