ભુજ ખાતે વડાપ્રધાનશ્રીના આગમન પૂર્વે સભાસ્થળે દેશભક્તિ ભર્યા ગીતોની અદ્ભુત પ્રસ્તુતિથી સમગ્ર સભાસ્થળ દેશભક્તિના રંગે રંગાયું

copy image

શ્રી ગીતાબેન રબારી, શ્રી નીલેશ ગઢવી, શ્રી દિવાળીબેન આહિર જેવા જાણીતા કલાકારોએ અદ્ભુત પ્રસ્તુતિ દ્વારા ઉપસ્થિતજનોને ડોલાવ્યા
આજે કચ્છમાં ભુજ ખાતે વડાપ્રધાનશ્રીના આગમનને વધાવવા સભાસ્થળે દેશભક્તિનો જુસ્સાભર્યો માહોલ સર્જાયો હતો. “ઓપરેશન સિંદૂર”ની સફળતાની ઉજવણી કરવા કચ્છી માડુઓ એકત્ર થયા હોય તેમ સભાસ્થળે દેશપ્રેમને વ્યકત કરતી વેશભુષા સાથે હજારો નાગરિકો તિરંગો ફરકાવતા જોવા મળ્યા હતા, જેથી સમગ્ર સભાસ્થળને જુસ્સા અને દેશપ્રેમની લાગણીથી તરબતર કરી દીધું હતું.
કેસરીયા રંગની સાડીમાં એક સાથે એકત્ર થયેલી ૧૦ હજાર બહેનોએ “ભારત માતા કી જય” તથા “જય શ્રી રામ”ના ઉદઘોષ કરી સમગ્ર વાતાવરણને અનેરી ઉર્જાથી ભરી દીધું હતું.
સભાસ્થળે પ્રધાનમંત્રીશ્રીના આગમન પૂર્વે જાણીતા શ્રી ગીતાબેન રબારી, શ્રી નીલેશ ગઢવી, શ્રી દિવાળીબેન આહિર જેવા જાણીતા કલાકારોએ પણ દેશભક્તિના આ માહોલને લોકગીતો તથા દેશભક્તિના ગીતો રજૂ કરી ચાર ચાંદ લગાવ્યા હતા. દેશભક્તિ તથા દેશદાઝને વર્ણવતા ગીત અને સંગીત ઉપરાંત કચ્છ તથા ગુજરાતની લોકસંસ્કૃતિ અને કચ્છનો મહિમા વર્ણવતા ધીંગી ધરાના લોકગીતો “જય દ્વારકાધીશ….”, “આવ્યા આવ્યા ક્ચ્છમાં વીર….” “જય સોમનાથ….” વગેરે રજૂ થતા લોકો ઝૂમી ઉઠ્યા હતા. સિંદૂરી સાડીમાં આવેલી મહિલાઓએ દેશપ્રેમ વ્યક્ત કરતા ગીતો જેવા કે, “મેરે દેશ કી ધરતી…”, “યે દેશ હૈ વીર જવાનો કા…”, “હે પ્રીત જહાં કી રીત સદા…”, “તેરી મિટ્ટી મેં મીલ જાવા…” વગેરે પર તેમજ નયા ભારતનું ચિત્ર રજૂ કરતા ગીત “સૂનો ગોર સે દુનિયાવાલો……” “મા તુજે સલામ….” પર સમગ્ર જનમેદનીએ એક સાથે સુર પુરાવીને એક સૂરે સભામંડપને ગજવ્યો હતો.