રાપર ખાતે આવેલ ચિત્રોડ નજીક કેમિકલ ભરેલાં ટેન્કરમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં ધોડદામ મચી

copy image

રાપર ખાતે આવેલ ચિત્રોડ ગામ નજીક સામખિયાળી – રાધનપુર ધોરીમાર્ગ પર કેમિકલ ભરેલાં ટેન્કરમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી જવા પામી હતી. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામથી કેમિકલ ભરીને ટેન્કર જિલ્લા બહાર જઈ રહ્યું હતું તે દરમ્યાન ચિત્રોડ નજીક ઓવરબ્રિજ પાસે પહોંચતાની સાથે જ ટેન્કરનાં પૈડાં ગરમ થઇ જવાના કારણે તેમાં આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગેલાં વાહનને વાહનચાલકે માર્ગની બાજુએ પાર્ક કરી પોતે નીચે ઊતરી ગયો હતો. થોડી જ ક્ષણોમાં આગે જોર પકડાતાં આ વાહનમાં સંપૂર્ણ ફેલાઈ હતી. બનાવને પગલે પાંચેક કિ.મી. સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. રાપર નગરપાલિકા અને લાકડિયા આસપાસના ખાનગી એકમોના અગ્નિશમન દળોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.