અમદાવાદ એસ.ઓ.જીએ બોગસ ડોક્યુમેન્ટ મેળવી ભારતીય પાસપોર્ટ બનાવનારા બાંગ્લાદેશી હિન્દુ નાગરિકની ધરપકડ કરી

copy image

અમદાવાદ એસ.ઓ.જી એ બોગસ ડોક્યુમેન્ટ મેળવી ભારતીય પાસપોર્ટ બનાવનારા બાંગ્લાદેશી નાગરિક બિપ્લોબ હાલદારની ધરપકડ કરી છે. 2015માં બોગસ ડોક્યુમેન્ટ મેળવી તેના આધારે ભારતીય પાસપોર્ટ મેળવ્યો હતો. પશ્ચિમ બંગાળના એજન્ટ છપન મારફતે નડિયા જિલ્લામાં કલ્યાણીમાં જન્મ થયો હોવાના પુરાવા ઉભા કરી બોગસ જન્મના પ્રમાણપત્ર, આધારકાર્ડ, વોટર કાર્ડ અને પાનકાર્ડ સહિતના તમામ ભારતીય ડોક્યુમેન્ટ બનાવ્યા હતા.

બોગસ પુરાવાના આધારે બનાવવામાં આવેલો ભારતીય પાસપોર્ટ લઈને મુસાફરી કરતા અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયો છે. બાંગ્લાદેશી નાગરિક બિપ્લોબની ધરપકડ કરી પુછપરછ કરતા સામે આવ્યું કે તે ભારતીય પાસપોર્ટના આધારે 6 વર્ષ સુધી કુવૈતમાં નોકરી કરી આવ્યો હતો. જે બાદ બાંગ્લાદેશના વિઝા મેળવી બાંગ્લાદેશ ગયો હતો. ત્યાં બાંગ્લાદેશી મહિલા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન કરીને ફરીથી ભારત આવ્યો હતો. ભારતથી બીજી વાર પૈસા કમાવવા માટે કુવૈત જતો હતો. તે સમયે ઈમિગ્રેશનની તપાસમાં તે ઝડપાયો છે.

ઈમિગેશન દરમિયાન પુછપરછ કરતા બાંગ્લાદેશી નાગરિક હોવાનું સ્વીકાર્યું હતું. તેના મોબાઈલમાંથી માતા પિતાના બાંગ્લાદેશી ઓળખ કાર્ડ અને પુરાવા મળી આવ્યા હતા.બોગસ પાસપોર્ટના આધારે બાંગ્લાદેશી આરોપીની ધરપકડ કરવામાં આવી છે, તેનાં બોગસ ડોક્યુમેન્ટ બનાવનારા આરોપી ફરાર છે. પોલીસને શંકા છે કે એજન્ટની ધરપકડ બાદ બોગસ ડોક્યુમેન્ટનું નેટવર્ક સામે આવી શકે છે.