નર્મદાના સાગબારા ખાતે આવેલ કોલવાણમાં 9 વર્ષીય કિશોરીને દીપડાએ ફાડી નાખી

copy image

નર્મદા જિલ્લાના સાગબારા ખાતે આવેલ કોલવાણ ગામમાં ગત સાંજના સમયે ગોઝારો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં દીપડાએ 9 વર્ષની બાળકીને ફાડી ખાધી હોવાના અહેવાલ મળતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી આવ્યો છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ હતભાગી બાળકીના માતા-પિતા ખેતરમાં ઘાસ કાપવા ગયેલ હતા. તે દરમ્યાન તેમની બે દીકરીઓ સાથે જ હતી. માતા-પિતા કામમાં વ્યસ્ત હતા, અને બન્ને બહેનો રમતી હતી. તે દરમ્યાન અચાનક ત્યાં દીપડો આવી ચઢ્યો હતો અને 9 વર્ષની કિશોરીને શેરડીના ખેતરમાં ખેંચીને લઈ ગયો હતો. આ બાળકી નજરે ન ચડતા તેની શોધ ખોળ કરવામાં આવી હતી જેમાં, ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં શેરડીના ખેતરમાંથી મળી આવી હતી. દીપડાએ બાળકીના શરીર પર બચકાં ભર્યા હતા. અત્યંત ગંભીર સ્થિતિમાં બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતી પરંતુ સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું.
