રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતી આજના સમયમાં આવકારદાયક ખેતી
રાસાયણિક અને પ્રાકૃતિક ખેતીને લઈને કેટલાક જાણવા જેવા ભેદ છે. જેનાથી કયા પ્રકારની ખેતીથી ફાયદો થઇ શકે તેની સમજ કેળવી શકાય છે. રાસાયણિક અને પ્રાકૃતિક ખેતી બન્ને અલગ-અલગ ખેતી પદ્ધતિ ધરાવે છે. રાસાયણિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચે સ્પષ્ટ અને પ્રથમ નજરે જોઈ શકાય તેવું અંતર જોવા મળે છે. રાસાયણિક ખેતીમાં ખાતર દવા સહિત અન્ય ચીજ વસ્તુઓમાં ખૂબ મોટો ખર્ચ થાય છે. જેની સામે મળતું કૃષિ ઉત્પાદન પૂરતા બજાર ભાવોને લઇને આજે પણ ખેડૂતોને પરેશાન કરી રહ્યું છે. રાસાયણિક ખેતીથી જમીનની ગુણવત્તાને ખૂબ નુકસાન થાય છે. સાથે સાથે રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ અને અન્ય રસાયણને કારણે ઉત્પાદિત થતી કૃષિ જણસો પણ રસાયણ અને દવાની અસરોવાળી જોવા મળે છે. જેને કારણે માનવ આરોગ્ય પર ગંભીર અસર થઇ શકે છે.
પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થયેલા કૃષિ ઉત્પાદનમાં રાસાયણિક ખેતીની સરખામણીએ ઓછામાં ઓછો ખર્ચ થાય છે. જેની સામે ઉત્પાદિત થતાં કૃષિ પેદાશોના બજારભાવ રાસાયણિક કૃષિ પેદાશોની સરખામણીએ ઘણા વધુ ઊંચા બજારભાવે વહેંચાઈ રહ્યા છે. આજે નાગરિકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ થયા છે જેને લઇ રસાયણ વગરની ચીજ વસ્તુઓને આરોગવાનું મહત્વ જાણે છે. આજ ગ્રાહકો છે જે, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થયેલા કૃષિ ઉત્પાદનોનો ઉંચો ભાવ ખેડૂતને આપે છે.
પ્રાકૃતિક ખેતીથી જમીનની ગુણવત્તા વધારવાની સાથે ઉત્પાદિત થતું કૃષિ પાક આરોગ્યની દ્રષ્ટિએ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. રાસાયણિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ વધુની સામે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ ઓછો અને ઉત્પાદિત થયેલી કૃષિ પાકોના બજાર ભાવ બમણાં મળતા હોવાનું સમગ્ર રાજ્યના ખેડૂતો જાણે છે. જેને કારણે રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતી આજના સમયમાં આવકારદાયક ખેતી પદ્ધતિ માનવામાં આવી રહી છે.
રાસાયણિક ખેતીમાં ખેડૂત યુરિયા ખરીદે છે, ડીએપી ખરીદે છે, જંતુનાશક (પેસ્ટીસાઈડ) ખરીદે છે અને રૂપિયા તેમના ખિસ્સામાંથી જાય છે. આજે વધુ પડતા જંતુનાશકના ઉપયોગથી જમીનની ગુણવત્તામાં ઘટાડો જોઇ શકાય છે. જેની સામે પ્રાકૃતિક ખેતીના દરેક સંસાધનો ખેડૂત પોતાના ખેતરમાંથી જ મેળવી લે છે. જેના કારણે ખેડૂતના પૈસા બચતા ખેતી ખર્ચ આપમેળે ઘટી જાય છે.
પ્રાકૃતિક કૃષિ એટલી સરળ છે કે તેનાથી જમીનની ફળદ્રુપતા ટકાવી શકાશે, પાણીનો વપરાશ ૭૦ ટકા ઘટશે, આનાથી ગૌમાતા બચશે, આનાથી ખેડૂત દેવાદાર બનવાથી બચશે, આ ખેતી પર્યાવરણને બચાવશે, આ કૃષિને કારણે રોગથી મરતાં લોકો બચી જશે. આ એક કાર્ય દ્વારા અનેક વસ્તુઓ બચી શકે છે. તો આપણે આ ઉમદા પધ્ધતિને જરૂર અપનાવવી જોઇએ.