રક્તદાન એ માત્ર દાન નથી, એ તો જીવનની સાચી ઉજવણી છે
રક્તદાનએ જીવ બચાવવાનો સૌથી સરળ અને અસરકારક રસ્તો છે, તે સમાજને વધુ સશક્ત અને કરુણાસભર બનાવે છે. રક્તની જરૂર સતત હોય છે. અને રક્તની જરૂર હંમેશા તાત્કાલિક ધોરણે પડે છે. દર બે સેકન્ડે દુનિયાના કોઈ ને કોઈ ખૂણામાં કોઈને રક્ત ચઢાવવાની જરૂર પડે છે. ક્યારેક અકસ્માતના કારણે, ક્યારેક સર્જરી માટે, તો ક્યારેક કેન્સર કે થેલેસેમિયા જેવી બીમારીઓ માટે. ભારતમાં પણ રક્તની માંગ ઘણી વધારે છે, અહીં લાખો લોકો પોતાની રક્તની જરૂરીયાત માટે રક્તદાતા પર જ આધારિત છે. રક્ત એવી વસ્તુ છે જેને બનાવવી કે ખરીદવી શક્ય નથી. તે માત્ર સ્વસ્થ વ્યક્તિ દ્વારા નિઃસ્વાર્થ રીતે આપી શકાય છે. તમે જ્યારે રક્તદાન કરો છો, ત્યારે તમે હોસ્પિટલમાં જરૂરિયાત પૂરી કરો છો. ઘણા દર્દીઓના જીવ બચાવવા માટે તમારું મૂલ્યવાન યોગદાન આપો છો.
રક્તદાન કરવું સરળ છે, સુરક્ષિત છે અને સાથે સાથે દાતા માટે પણ લાભદાયક છે. દરેક રક્તદાન દાન સાથે નાનું સ્વાસ્થ્ય પરિક્ષણ પણ થાય છે, જે ક્યારેક છૂપી શારીરિક તકલીફોની ઓળખ કરી શકે છે. નિયમિત રક્તદાન હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે, બ્લડ પ્રેશર ઓછું રાખે છે, તણાવ ઘટાડે છે અને આપણામાં સમાજપ્રત્યે જોડાણની ભાવના ઊભી કરે છે. રક્તદાન માટે આપલો સમય કદાચ થોડા મિનિટનો સમય હશે, પણ એની અસર કોઈના આખા જીવન માટે અમૂલ્ય બની શકે છે. એવું કહેવાય છે કે તમે આપેલું રક્ત કોઈને ફરીથી જીવવાની તક આપે છે. કોઈ દિવસ એ વ્યક્તિ તમારું જ કોઈ પ્રિયજન, મિત્ર કે કદાચ તમે પોતે પણ હોઈ શકે છે. આપણી કચ્છી ભાષામાં કહીએ તો રક્તદાન એટલે મહેનત નાની, ખેર મોટી; દુનિયાને બચાવવાનું સીધું સાવ કારજ.
દર વર્ષે ૧૪ જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ એ લાખો સ્વૈચ્છિક અને નિઃસ્વાર્થ દાતાઓનું માનપૂર્વક સ્વાગત કરતો દિવસ છે, જેમણે પોતાની ઈચ્છાથી કોઈ અપેક્ષા વિના રક્ત આપ્યું છે અને વિશ્વનો રક્ત પુરવઠો સુરક્ષિત અને જાળવી રાખવામાં મદદ કરી છે. આ દિવસ રક્તની સતત જરૂરિયાતને લઈને જાગૃતિ ફેલાવે છે, નવા દાતાઓને પ્રોત્સાહિત કરે છે અને નિયમિત દાતાઓનો આભાર વ્યક્ત કરે છે. આ અભિયાન સમગ્ર વિશ્વમાં રક્તદાનની સિદ્ધિઓ અને પડકારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. ખાસ કરીને યુવાન પેઢી વચ્ચે નિયમિત અને સ્વૈચ્છિક દાનની ટેવને વિકસાવે છે.
આ અંગે કચ્છ જિલ્લા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સેક્રટરીશ્રી મીરાંબેન સાવલીયા જણાવે છે કે, દુનિયાભરમાં અંદાજે ૧૬૦ થી વધુ દેશોમાં ૧૨,૭૦૦ જેટલાં રક્તદાન કેન્દ્રો દર વર્ષે લગભગ ૧૦ કરોડ રક્ત દાન એકત્ર કરે છે. દરેક રક્તદાન ત્રણ લોકોના જીવ બચાવી શકે છે. જરૂરિયાત સર્વત્ર છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના સૂચન પ્રમાણે દર ૧,૦૦૦ લોકોની વસ્તીએ ઓછામાં ઓછું ૧૦ યૂનિટ દાન થવું જોઈએ. ગરીબ અને વિકસતા દેશોમાં ખાસ કરીને સ્ત્રીઓ અને નાનાં બાળકો રક્તના મુખ્ય લાભાર્થી હોય છે. સલામત રક્તની સરળ ઉપલબ્ધિ આજેય ઘણા વિસ્તારોમાં એક મોટો પડકાર છે, ખાસ કરીને જ્યાં આરોગ્યસેવાની સુવિધાઓ ઓછી છે. ભુજ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના નેજા હેઠળ માતૃશ્રી અમરબઈ કરશન રાઘવાણી બ્લડ સેન્ટર કાર્યરત છે. જેના દ્વારા જનજાગૃતિ સાથે રકતદાનની પ્રવૃત્તિ કરવામાં આવે છે.
તેઓ વધુમાં ઉમેરે છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી વારંવાર એ વાત ઉપર ભાર મૂકે છે કે માનવસેવા જ સાચી સેવા છે. તેઓ કહે છે કે એકતામાં અને નિસ્વાર્થ સેવામાં સાચી શક્તિ છૂપાયેલી છે. તેમના શબ્દો આપણને રક્તદાન માટે પ્રેરણા આપે છે. જે રીતે સિંદૂરનો રંગ જીવનશક્તિ, ઉત્સાહ અને નવી શરૂઆતનું પ્રતીક છે. એ જ રીતે રક્ત એ માત્ર લાલ રંગ નથી, એ આશા, જીવદયા અને માનવતાનું ચિહ્ન છે. રક્તદાન એ માત્ર દાન નથી, એ તો જીવનની સાચી ઉજવણી છે. આ વર્ષે ૧૪ જૂનના રોજ, આપણે રક્ત આપીએ, જીવ બચાવીએ અને આપણા હ્રદયમાં સંવેદના જીવતી રાખીએ. સાથે મળીને આપણે બદલાવ લાવીએ, આખી દુનિયા માટે અને આપણા માટે પણ.
જિજ્ઞા વરસાણી
