હાથીઓની ૩ દિવસ સુધી તબીબી તપાસ થશે

copy image

copy image

રથયાત્રામાં હાથીઓ સાથે હેલ્થ અને ફોરેસ્ટ ટીમ તૈનાત રહેશે

રથયાત્રામાં હાથી માનસિક સંતુલન કે મિજાજ ગુમાવે તો તેને કાબૂમાં લેવા માટે વન વિભાગના કર્મીઓ ડાર્ટ ગન સાથે તૈનાત રહશે.

રથયાત્રામાં આ વર્ષે 18 હાથી જોડાશે અને આ હાથીઓના શારીરિક-માનસિક સ્વાસ્થ્યની તપાસ કરાય છે. નાયબ પશુપાલન નિયામક સુકેતુ ઉપાધ્યાયના જણાવ્યા પ્રમાણે 23 જૂનથી હાથીઓના શારીરિક-માનસિક આરોગ્યનું મૉનિટરિંગ કરાઈ રહ્યું છે. હાથીઓનું ચેકઅપ કરીને હેલ્થ સર્ટિફિકેટ પણ અપાતું હોય છે. વેટરનરી વિભાગની ટીમ માખી કે ઇતરડી જેવા જંતુઓ પજવતા હોય તો તેને દૂર કરે છે તથા નાની-મોટી બીમારી હોય તો તેનું નિદાન કરીને સારવાર કરે છે. હાથીનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા તમામ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે. વધુમાં જણાવ્યું હતું કે રથયાત્રા સુધી સતત 3 દિવસ હાથીના સ્વાસ્થ્યનું મૉનિટરિંગ કરાશે.

રથયાત્રા દરમિયાન અમારી એક ટીમ તથા વનવિભાગની એક ટીમ હાથીઓની સાથે જ રહેશે. જેથી હાથીને કોઈ તકલીફ પડે કે તેમને અકળામણ, ગુસ્સાને કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને. જેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવતી હોય છે. કોઈ સંજોગોમાં હાથી માનસિક સંતુલન કે મિજાજ ગુમાવે તો તેને કાબૂમાં લેવા માટે વન વિભાગના કર્મીઓ ડાર્ટ ગન પણ સાથે રાખતા હોય છે.