પાલારા જેલ નજીક બેફામ દોડતા ટ્રકના ચાલકે ભેસોનાં ધણને ટક્કર મારી હડફેટમાં લેતા ત્રણ ભેંસોના મોત

copy image

પાલારા જેલ નજીક પૂલ પાસે માતેલા સાંઢની માફક દોડતા ટ્રકના ચાલકે ભેસોનાં ધણને ટક્કર મારી હડફેટમાં લેતા ત્રણ ભેંસોના મોત થયા છે. આવા બનાવ અનેક વખત બની ગયા છે કે જેમાં પૂરપાટ દોડતા વાહનના ચાલકો કઈ પણ જોયા વગર  અબોલ જીવને હડફેટમાં લઈ જીવ લઈ લેતા હોય છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ ખાવડા રોડ પર એરફોર્સની સામે વાડો ધરાવનાર હનીફ વલીમામદ સુમરા દ્વારા આ બનાવ અંગે પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી રાબેતા મુજબ ગત દિવસે પશુઓને પાલારા સીમમાં ચરિયાણ માટે લઈ ગયેલ હતા જ્યાથી રાત્રે 9.30 વાગ્યે પરત આવી રહ્યા હતા તે સમયે પાલારા જેલ પાસે ખાવડા તરફથી પૂરઝડપે ટ્રક આવતી હતી, જેને ટોર્ચ લાઈટ બતાવી ટ્રક ધીમી કરવાનો ઈસારો કરેલ હોવા છતાં પણ ટ્રક ટ્રક ચાલકે બેદરકારી પૂર્વક પૂરઝડપે ગાડી ચલાવતાં પશુઓ ઢસડાયાં હતાં, જેમાં ગંભીર ઈજાઓના પગલે ત્રણ ભેંસોનું મોત થયું હતું. અકસ્માત સર્જી નાસી જનાર ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.