મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ભુજ ખાતે શૌર્યના પ્રતીકસમા સિંદૂરવનનું ખાતમૂહુર્ત કર્યું


ભુજ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિશાળ વિસ્તારમાં નિર્માણ પામનાર શૌર્યના પ્રતીકસમાન સિંદૂરવનનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. ભારતીય થલસેના, વાયુસેના, નૌસેના, બીએસએફ તથા પહેલગાવ હુમલામાં મૃત્યુ પામેલ નાગરિકોને સમર્પિત એવા “સિંદૂર વન” વન કવચનું વિધિવત ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વન કવચ વિકસાવવાની પદ્ધતિની વિગતવાર સમજ મેળવી હતી.
ઓપરેશન સિંદૂરની સફળતા બાદ સિંદૂરવન બનાવવાનું આહવાન કર્યુ હતું. કચ્છના વન વિભાગે આ આહવાનને ઝીલીને જે સ્થળે સભા યોજાઈ હતી ત્યાં જ સિંદૂરવન બનાવવાનો નિશ્ચય કર્યો હતો. જેના ભાગરૂપે આજરોજ આહલાદક સિંદૂરવનના મુખ્યમંત્રીશ્રીએ બીજરોપણ કર્યા હતાં અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથેનું ભૂમિપૂજન કર્યું હતું.
ભુજના મિરઝાપર હાઇવે પર પશ્ચિમ કચ્છ વન વિભાગ દ્વારા તૈયાર થતાં સિંદૂર વનમાં વિશાળ વિસ્તારમાં ૮૦ હજાર રોપાનું વાવેતર કરવામાં આવશે. આ સિંદુર વન એક શૌર્યનું પ્રતીક બની રહેશે જેમાં ભારતની લશ્કરની તાકાત સમાન હવાઈ જહાજ, નેવી, લશ્કર, બી.એસ.એફ.ની થીમ આધારિત ચારેય પાંખના આધુનિક સાધનો મૂકવામાં આવશે. જેમાં અહીં આવનારા પર્યટકોને વન્ય સંપદાની સાથે આઈ.એન.એસ. વિક્રાંત, એસ-૪૦૦ મિસાઇલ, ડ્રોન, રફાલ જેવા લડાયક સાધનોની થીમ પણ જોવા મળશે.
સિંદૂર વનમાં કચ્છની સ્થાનિક વનસ્પતિ વચ્ચેથી પસાર થતા પ્રવાસીઓને વધુ આનંદ થાય એ માટે અલાયદા વોકિંગ ટ્રેકની વ્યવસ્થા પણ કરવામાં આવશે. કચ્છમાં ૮૦ હજાર વૃક્ષનાં કારણે શુદ્ધ વાતાવરણનું નિર્માણ થશે અને શહેરમાં મોટા પ્રમાણમાં ઓક્સિજન મળી રહેશે. અહીં બાળકોને મનોરંજન મળે તેવા રમત-ગમતનાં સાધનોની વ્યવસ્થા કરવામાં આવશે.
સિંદૂર વનમાં આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી વનસ્પતિનું વાવેતર કરવામાં આવશે. જેમાં વડ, પીપળો, ઉમરો,કરંજ, અર્જુન, પીલુ, અશ્વગંધા, જાંબુ, આંબલી, લીમડો, લિયાર, દાડમ, તુલસી, અળસી, સરગવા, સિંદૂર, વાંસ જેવા ૪૦ પ્રકારનાં વૃક્ષનું આ જંગલ બનાવામાં આવશે.
આજના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ભુજ નગરપતિશ્રી રશ્મિબેન સોલંકી, સાંસદ સભ્યશ્રી વિનોદભાઈ ચાવડા, સર્વે ધારાસભ્યોશ્રી કેશુભાઇ પટેલ, શ્રીઅનિરુદ્ધભાઇ દવે, શ્રી માલતીબેન મહેશ્વરી,શ્રી ત્રિકમભાઇ છાંગા, શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના પદાધિકારીશ્રીઓએ વૃક્ષારોપણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ એસ.પી શ્રી વિકાસ સુંડા, મુખ્ય વન સંરક્ષકશ્રી સંદિપકુમાર, પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી હર્ષ ઠક્કર, પ્રાંત અધિકારીશ્રી ડો.અનિલ જાદવ અને શ્રી એસ.કે. ચૌધરી સહિતના વન અધિકારીશ્રીઓ સહિત વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિજ્ઞા પાણખાણીયા