ભુજમાં સ્મૃતિવન ખાતે ખારેકમાં તકનીકી નવીનતા અને ટકાઉ વિકાસના વિષય પર આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ

copy image

copy image

ભુજમાં સ્મૃતિવન ખાતે ખારેકમાં તકનીકી નવીનતા અને ટકાઉ વિકાસના વિષય પર આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી.

ખારેક આંતરરાષ્ટ્રીય પરિષદ કેન્દ્રીય શુષ્ક બાગાયતી સંસ્થા, બિકાનેર, ખારેક સંશોધન કેન્દ્ર અને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તથા ભારતીય શુષ્ક બાગાયતી સોસાયટી, બિકાનેર રાજસ્થાનના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવી હતી. આ પરિષદમાં ખારેક સંશોધન કેન્દ્ર મુન્દ્રા દ્વારા ખારેકની ૧૪૦થી વધુ વેરાયટી તેમજ જીનોટાઇપનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે કચ્છમાં જોવા મળતી વિવિધ ખારેકની જાતો જોવા મળી હતી. આ ઉપરાંત અમેરિકા, મોરોક્કો અને ફિનલેન્ડના કૃષિ વૈજ્ઞાનિકોએ ખારેક ઉપર પોતાના સંશોધન પણ રજૂ કર્યા હતાં. આ કાર્યક્રમમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો આર.એમ. ચૌહાણએ જણાવ્યું કે, ખજૂરની ખેતીમાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંશોધન અને વિસ્તરણ તેમજ યુનિવર્સિટીના ખારેક સંશોધન કેન્દ્ર મુન્દ્રાના યોગદાનથી સમગ્ર ભારતમાં કચ્છની ખારેક પહોંચી છેં.

આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત પ્રોફેસર એસ. કે. સિંઘ ( ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR)ના બાગાયત વિજ્ઞાનના ઉપમહાનિર્દેશક (DDG Horticulture) દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમનું ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી તરીકે ડૉ. જગદીશ રાણે, ડાયરેક્ટર, કેન્‍દ્રીય શુષ્ક બાગાયત સંસ્થાન, બિકાનેર તેમજ લોકલ ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી તરીકે ડૉ. સી. એમ. મુરલીધરન, પૂર્વ સંશોધન નિયામકશ્રી, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી ૧૩૦ કૃષિ વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ તેમજ સહકારી સંસ્થાના અધિકારીશ્રીઓ અને મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના અન્ય રાજ્યોમાંથી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં. આ પરિષદ દ્વારા ખારેકના સંશોધન અને વિકાસને લગતા વિવિધ વિષયો પર ૨ દિવસ ચર્ચા કરવામાં આવશે તેમ વિભાગીય સંશોધન કેન્દ્ર સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભચાઉની યાદીમાં જણાવવામાં આવ્યું છે.