પ્રાકૃતીક ખેતીમાં પાકને બીજજન્ય તેમજ જમીનજન્ય રોગોથી બચાવવા બીજને વાવતા પહેલા જરૂરી માવજત જરૂરી

બીજ માવજત એ પાકનું સુરક્ષા કવચ છે. કોઇપણ રોગકારકો ને રોગ લગાડતા પહેલા એ સુરક્ષા કવચને ભેદીને પછી જ બીજની અંદર દાખલ થઇ રોગ લગાડી શકે છે, પરંતુ બીજ માવજત આપેલ હોય તો એ કવચ રોગકારકો ભેદી શકતા નથી અને પાકને રોગ લાગતો નથી. જેથી કોઇપણ પાકને વાવતા પહેલા બીજ માવજત આપવી જોઇએ. બીજ માવજત ઘણા પ્રકારની આપી શકાય છે. દા.ત ફુગનાશક દવાની, જંતુનાશક દવાની, પ્રાકૃતીક ખેતી કરતા હોય તો બીજામૃતની,  ગરમ હવાની વિગેરે પાકને બીજજન્ય તેમજ જમીનજન્ય રોગોથી બચાવવા માટે તેમજ બીજનાં સારા ઉગવા માટે બીજને વાવતા પહેલા જરૂરી માવજત આપવી જોઈએ. બીજને જમીનમાં વાવતાં પહેલા જો બીજ માવજત આપવામાં ન આવે તો તેની ઉગવા ઉપર અસર થાય છે.

બીજના ઉગવા પર અસર- બીજની સપાટી ઉપર કે તેની અંદર ઘણી જાતનાં જીવાતો અને રોગકારકો રહેલા હોય છે. જે બીજની સાથે વાવેતર સમયે જમીનમાં જાય છે. અને ત્યાં ભેજ મળવાથી બીજનાં સ્ફુરણ પહેલા રોગકારકોની વૃધ્ધિ શરૂ થાય છે. જેને લઈને તેમજ તેના દ્વારા ઉત્પન્ન થતા રસાયણથી બીજને સડવી નાખે છે. જેથી આવા બીજ ઉગી શક્તા નથી અને ખેતરમાં ખાલા પડે છે.

રોગકારકો બીજની સાથે કઈ રીતે રહેલા હોય છે- બીજની સપાટી ઉપરના રોગકારકો બીજની માવજતથી સહેલાઈથી દૂર કરી શકાય. બીજની અંદર રોગકારકો ખૂબ જ ઉંડે એટલે કે ભૃણમાં અથવા બીજ કવચની નીચે રહેલા હોય છે. આવા રોગકારકો શોષક પ્રકારની દવાના પટ આપવાથી કરી શકાય છે. જયારે આપણે આવા બીજ વાવીએ ત્યારે તેની સાથે રોગકારકો જમીનમાં જતા રહે છે અને યોગ્ય સમયે રોગ પેદા કરે છે. દા.ત. જુવાર અને બાજરીમાં ગુંદરીયાનો રોગ લાગેલ પેશીઓ.

બીજને માવજત આપવાની જુદી જુદી રીતો : બીજને માવજત આપવાની ઘણી રીતો છે. તેમાં ઘણી રીતો ફુગનાશક/જીવાણુનાશક દવા સાથે સંકળાયેલ પણ નથી. દા.ત ગરમ પાણી અને સૂર્યની ગરમીની માવજત, ફુગનાશક દવાની માવજતમાં બીજને લુગદી(સ્લરી) બનાવી અથવા તો જરૂરી દવાને પાણીમાં ઓગાળી દ્રાવણ બનાવવામાં આવે છે, ત્યારબાદ બીજને તે દ્વાવણમાં ડૂબાડવામાં આવે છે.

૧.રોટરી સીડ ડ્રેસર: સામાન્ય રીતે બીજને દવાની માવજત આપવા માટે સીડ ડ્રેસર વપરાય છે. તેમાં સુકા બીજના જથ્થાને નિયત દવા સાથે ડ્રમમાં નાખી તેને ફેરવવામાં આવે છે. તેથી બધા જ બીજને એક સરખો પટ લાગી જાય છે.  

૨.સ્લરી ટ્રીટમેન્ટ: આ રીતમાં જરૂરી દવાની લુગદી (સ્લરી) બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ બીજ પર આવરણ બનાવીને કરવામાં આવે છે.

૩. સીડ ડીપ: આ રીતમાં પહેલા જરૂરી દવાને પાણીમાં બરાબર ઓગાળવામાં આવે છે ત્યારબાદ બીજના જથ્થાને તે દ્વાવણમાં યોગ્ય સમય પૂરતા બોળીને વાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે.

૪.બોક્ષ ટ્રીટમેન્ટ: આ રીતમાં જરૂરી ફુગનાશક દવાનો પાવડર સીડ ડ્રીલનાં હોપર બોક્ષમાં વાવતા પહેલા બીજ સાથે ભળી જાય છે.

સૂર્યની ગરમીથી માવજત- બીજને ઠંડા પાણીમાં ચાર કલાક પલાળ્યા બાદ ગેલ્વેનાઈઝ પતરા પર સૂર્ય તાપમાં બપોરના ૧૨ થી ૩ વાગ્યા સુધી તપવા દેવામાં આવે છે. આ રીતનો ઉપયોગ મે- જૂન માસમાં જ્યારે ઉષ્ણતામાન ૪૦ સે. ઉપર જાય ત્યારે થાય છે. આવી માવજત આપેલ બીજને વાવવા માટે સંગ્રહ રાખવામાં આવે છે. જો કે બધા જ પાકનાં બિયારણને આ માવજત આપી શકાતી નથી.પરંતુ આ રીતનો ઉપયોગ ખાસ કરીને ઘઉંના અનાવૃત અંગારિયા રોગના નિયંત્રણ માટે થાય છે. બીજને જૈવિક નિયંત્રકોની માવજત જીવંત જૈવિક ઘટકોનો ઉપયોગ કરીને બીજ મારફતે ફેલાતા અમુક રોગોનું નિયંત્રણ કરી શકાય છે. જૈવિક નિયંત્રકો બીજ પર રહેલા રોગકારકોની ઝેરી રસાયણ છોડી અથવા તેના ખોરાકમાં ભાગ પડાવી નાશ કરે છે અથવા વૃધ્ધિ અટકાવે છે. અસરકારક જૈવિક નિયંત્રકો લાંબો સમય રોગ સામે કામ આપે છે. દા.ત. જૈવિક નિયંત્રક ટ્રાઇકોડમાં તેમજ સ્યુડોમોનાસ ફલ્યુરોસન્સનો બીજ માવજત તરીકે ઉપયોગ થાય છે.

ફાયદાકારક (બાયોફર્ટીલાઇઝર્સ)ની બીજ માવજત- ફુગનાશક દવાની બીજ માવજતથી બીજજન્ય રોગકારકોનો નાશ કરી શકાય છે, પરંતુ ઘણા જીવાણુઓ ફાયદાકારક માલૂમ પડે છે, જેની માવજત બીજને આપવામાં આવે તો સહજીવી અને અસહજીવી રીતે આ જીવાણુઓ પાકને પોષક તત્વ નાઇટ્રોજન તેમજ લભ્ય ફોસ્ફરસ પૂરો પાડે છે. તેનાથી પાક ઉત્પાદન વધારી શકાય છે. આ માટે કઠોળ વર્ગના પાકોમાં મૂળ ઉપર જે ગંડિકાઓ પેદા કરે તેવા જીવાણુઓની (રાઈઝોબિયમ) માવજત અને ધાન્ય વર્ગના પાકો માટે પાકના મૂળ ઉપર ગંડિકા ન બનાવે પાકને નાઇટ્રોજન તત્વ અસહજીવી રીતે પુરુ પાડે તેવા જીવાણુ (એઝેટોબેક્ટર)ની માવજત આપવામાં આવે છે. બીજને ફૂગનાશક દવાનો પટ પહેલા આપી અને બીજને જ્યારે વાવવાના હોય ત્યારે જ આવા જીવાણુંનો પટ આપવો જેથી ફૂગનાશક દવાની અસર ઉપયોગી જીવાણું પર ન થાય.