મનરેગા અને નલ સેજલના રાજ્યવ્યાપી ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કરવામાં આવે

· મનરેગા અને નલ સે જલના રાજ્યવ્યાપી ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કરવામાં આવે : શ્રી અમીત ચાવડા
· આપના દ્વારા જેને સવિધાન શપથ લેવડાવ્યા એવા રાજ્ય સરકારના કૌભાંડી મંત્રી બચુભાઈ ખાબડને
પદ ઉપરથી દૂર કરવામાં આવે : શ્રી અમીત ચાવડા
· રાજ્યની ભાજપ સરકાર મનરેગા- નલ સે જલના કૌભાંડીઓને બચાવી રહી છે : શ્રી અમીત ચાવડા
ગુજરાતમાં વ્યાપક બનીને હવે ખુલ્લા પડી ગયેલા ભ્રષ્ટાચાર પર પગલાં લેવામાં આવે તેવી માંગણી સાથે ગુજરાતના મહામહિમશ્રી આચાર્ય દેવવ્રતજીને આવેદનપત્ર પાઠવતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમીત ચાવડાએ જણાવ્યું છે કે, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ તથા અધિકારીઓની મીલીભગતથી સમગ્ર રાજ્યમાં ચારેતરફ ભ્રષ્ટાચાર વ્યાપક અને વિકરાળ સ્વરૂપ લઈ રહ્યો છે. રાજ્યમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સામાન્ય જનતાને દરેક સરકારી યોજનાઓ કે કામગીરી માટે દરેક કક્ષાએ લાંચ આપી પડે છે. તેવી ફરિયાદો રોજબરોજ વધતી જાય છે.
કેન્દ્રની કોંગ્રેસના નેતૃત્વવાળી યુ.પી.એ. સરકાર દ્વારા વર્ષ ૨૦૦૫ મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર બાંહેધરી કાયદો (મનરેગા) સામાન્ય માણસોને ઘરઆંગણે વર્ષના ૧૦૦ દિવસ રોજગારી સુનિશ્ચિત કરતો વિશ્વનો ઐતિહાસિક કાયદો બનાવવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં મનરેગા કાયદો સામાન્ય માણસોને રોજગારી આપવા નહીં પણ સરકારી તંત્રની મિલીભગતથી પદાધિકારીઓ અને અધિકારીઓની તિજોરી ભરવાનો કાયદો હોય તેવી સ્થિતિ છે. કોંગ્રેસપક્ષ તરફથી અમારી વારંવારની લેખિત રજુઆતો, વિધાનસભાની પ્રશ્નોત્તરી-ચર્ચાઓ અને ધરણા-આવેદનપત્રો આપવા પછી સરકાર દ્વારા થોડા ગામોમાં ભ્રષ્ટાચારની તપાસ કરાવવામાં આવી. તો ભ્રષ્ટાચાર કેટલી હદ સુધી વકરી ગયો છે તે આખી દુનિયાએ જોયું.
દાહોદ જિલ્લામાં દેવગઢબારીયા, ધાનપુર તાલુકાની તપાસમાં ૧૦૦ કરોડ કરતા વધુનો ભ્રષ્ટાચાર થયાનું સામે આવેલ છે. રાજ્ય સરકારના મંત્રી શ્રી બચુભાઈ ખાબડના પરિવારની સીધી સંડોવણી બહાર આવેલ છે. ભ્રષ્ટાચાર બહાર આવે આજે ઘણા દિવસો થયેલ હોવા છતાં અને પોતાના પુત્રોને અને નજીકના લોકોની સીધી સંડોવણી સાબિત થઈ ગયેલ હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા મંત્રીશ્રી બચુભાઈ ખાબડને મંત્રીમંડળમાંથી દૂર કરવામાં આવતા નથી. જેના કારણે પોતાના પદ અને સત્તાનો દુરુપયોગ કરી સમગ્ર ભ્રષ્ટાચારની તપાસને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને મળતીયાઓને બચાવી રહ્યા છે. દાહોદ જિલ્લામાં ફતેપુરા, સંજેલી, ઝાલોદ, સિંગવડ સહિતના બાકીના તાલુકાઓમાં પણ મનરેગામાં કરોડોનો ભ્રષ્ટાચાર થયેલ છે. સ્થળ ઉપર કામ કર્યા સિવાય બારોબાર બિલ ચૂકવાઇ ગયા છે. ભૂતિયા જોબકાર્ડના આધારે બિલો ચુકવાયેલ છે. નેતાઓ અને અધિકારીઓની મિલીભગતથી ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો છે પરંતુ ફરિયાદો અને પુરાવાઓ આપવા છતાં આજ દિન સુધી તપાસ થતી નથી. કૌભાંડીઓને બચાવવામાં આવી રહ્યા છે.
એ જ રીતે પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડા તાલુકામાં પણ ૨૬ ગામો અને ફક્ત ૪૨૦૦૦ની વસ્તીમાં જ ચાર વર્ષમાં ૩૦૦ કરોડના મનરેગામાં કામો બતાવી ૮૦% મટીરીયલ અને ૨૦% લેબર ખર્ચ બતાવી જિલ્લા ભાજપના પ્રમુખશ્રી મયંક દેસાઈ અને તેમના પરિવારના લોકોને એજન્સીઓ દ્વારા ૧૦૦ કરોડનો ભ્રષ્ટાચાર આચર્યાની પુરાવા સહિતની ફરિયાદો – રજૂઆતો કરવા છતાં કોઈ જ તપાસ થતી નથી. સરકાર પોતાના મળતીયાઓને બચાવી રહી છે.
આમ એકલા દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ જિલ્લા નહીં પણ સમગ્ર ગુજરાતમાં મનરેગા યોજનામાં વ્યવસ્થિત નેટવર્ક બનાવીને ગાંધીનગર બેઠેલા મંત્રીમંડળના સભ્યો અને ઉચ્ચ અધિકારીઓની મીલીભગત – આશીર્વાદથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર – કૌભાંડ ચાલી રહ્યું છે. સરકારમાં ભ્રષ્ટાચાર રોકવાની ઈચ્છાશક્તિ દેખાતી નથી. જેથી આપના હસ્તક્ષેપની તાતી જરૂર છે અને સમગ્ર રાજ્યમાં મનરેગાના ભ્રષ્ટાચારની તપાસ માટે ન્યાયિક અને સંવિધાનિક પદ ઉપર બેઠેલ તટસ્થ લોકોની SIT બનાવવામાં આવે.
મનરેગાના કૌભાંડની જેમ જ સમગ્ર રાજ્યમાં “નલ સે જલ” યોજનામાં પણ કરોડો રૂપિયાનું કૌભાંડ છે.
ગુજરાતની જનતાને ઘરે ઘરે “ નલ સે જલ” મળશેની મોટી મોટી જાહેરાતો પછી પણ પ્રજાના ટેક્સના પૈસામાંથી કરોડો રૂપિયાનું બજેટ પાણી પુરવઠા વિભાગને ફળવાયુ પરંતુ લોકોને આજે પણ ઘરે ઘરે “નલ સે જલ” તો ન મળ્યું પરંતુ સરકારના મળતીયા અને અધિકારીઓએ કૌભાંડ આચરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી પોતાની તિજોરીઓ ભરી લીધી છે. સમગ્ર ગુજરાતમાં અનેક જિલ્લાઓમાંથી પુરાવા સહિતની ફરિયાદો, પુરાવા મળવા છતાં હજુ પણ “નલ સે જલ” યોજનાના ભ્રષ્ટાચારની યોગ્ય તપાસ અને કડક કાર્યવાહી થતી નથી. સરકારમાં બેઠેલા નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓને બચાવવા માટે સરકાર દ્વારા પણ ફક્ત બતાવવા પૂરતી નાના માણસો પર ફરિયાદો -કાર્યવાહી કરવામાં આવે છે. “નલ સે જલ” કૌભાંડની પણ રાજ્ય સ્તરે ન્યાયિક સંવિધાન પદ ઉપર બેઠેલા સભ્યોની SIT બનાવી તાત્કાલિક તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે.
મહામહિમ શ્રી, પ્રજાના ટેક્સના પૈસાથી ગરીબ સામાન્ય લોકોને રોજગાર સુવિધા આપવા માટેની યોજનાઓ માટે કરોડો રૂપિયા બજેટ ફાળવાય પરંતુ તેના સાચા લાભાર્થીઓ સુધી લાભ પહોંચવાને બદલે નેતાઓ અધિકારીઓની મિલીભગતથી ખૂલેઆમ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય તો પણ સરકાર શ્રી દ્વારા તેને સંપૂર્ણ નાથવાને બદલે કડક કાર્યવાહી કરવાને બદલે દેખાવ પૂરતી કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જ ચિંતાજનક છે આવી પરિસ્થિતિમાં રાજ્યના લોકોના હિતમાં ભ્રષ્ટાચારને રોકવા આપના તાત્કાલિક હસ્તક્ષેપની સાચી જરૂરિયાત હોય અમો માગણી કરીએ છીએ કે,
સમગ્ર રાજ્યમાં મનરેગા અને “નલ સે જલ” યોજનામાં વ્યાપક કરોડોના કૌભાંડની ન્યાયિક અને સૈવિધાનીક પદ ઉપર બેઠેલા લોકોની SIT બનાવી તટસ્થ તપાસ કરાવી કૌભાંડીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
દાહોદ જીલ્લામાં દેવગઢ બારીયા, ધાનપુર સહીત ફતેપુરા, સીંગવડ, ઝાલોદ સહિતના તાલુકામાં થયેલ વ્યાપક કૌભાંડની તપાસમાં અવરોધ ઉભા કરતા અને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી તપાસને પ્રભાવિત કરતા કૌભાંડમાં સંડોવાયેલા મંત્રીથી બચુભાઈ ખાબડને તાત્કાલિક પદ ઉપરથી દુર કરવામાં આવે.
પંચમહાલ જિલ્લમાં જાબુઘોડા તાલુકામાં ૧૦૦ કરોડ કરતા વધુના ભ્રષ્ટાચારની પુરાવા સહીતની ફરિયાદો ઉપર કાર્યવાહી થતી નથી. તેના માટે કડક સુચના આપવામાં આવે.
મનરેગા, “નલ સે જલ” યોજનાના ભ્રષ્ટાચાર કૌભાંડની પોલીસ ફરિયાદોમાં નાના કર્મચારીઓ ઉપર કાર્યવાહી થાય છે પરંતુ જીલ્લા, રાજ્યકક્ષાના અધિકારીઓની પણ જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરવામાં આવે.
મનરેગા અને નલ સે જલ યોજનામાં છેલ્લા ૧૦ વર્ષમાં થયેલ વિકાસ કામોની SIT મારફતે તપાસ કરાવવામાં આવે.
રાજ્ય સરકારની ભ્રષ્ટાચાર નાબુદી માટે ઈચ્છાશક્તિ ઓછી દેખાતી હોય સમગ્ર રાજ્યમાં વ્યાપક ભ્રષ્ટાચાર ગેરવહીવટને નાબુદ કરવા માટે આપના હસ્તક્ષેપની તાત્કાલિક જરૂરિયાત હોઈ ભ્રષ્ટાચાર નાબુદી માટે પ્રજાના ટેક્ષના પૈસાની ઉઘાડી લુંટને રોકવા માટે ત્વરિત યોગ્ય કાર્યવાહી અર્થે આદેશ કરવા વિનંતી છે.