કચ્છમાં ૧૧ થી ૧૮ જુલાઈ દરમિયાન વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે

આરોગ્ય વિભાગ દ્વારા વસ્તી સ્થિરતા લાવવા અને વસ્તી વધારા બાબતે જાગૃતિ લાવવા તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ પ્રવૃત્તિઓ “વિશ્વ વસ્તી દિવસ” ની ઉજવણી કરવામાં આવશે. તા.૧૧ જુલાઈ થી ૧૮ જુલાઈ દરમિયાન રાજ્યમાં “માં બનવાની ઉંમર એ જ, જ્યારે શરીર અને મન તૈયાર હોય” (Healthy Timing & spacing between pregnancies for planned parenthood)  થીમ હેઠળ કચ્છમાં “વિશ્વ વસ્તી દિવસ” ઝુંબેશની ઉજવણી કરવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમનાં માર્ગદર્શન હેઠળ “વિશ્વ વસ્તી દિવસ-૨૦૨૫”ની ઉજવણી કરવામાં આવશે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.મિતેષ ભંડેરી એ જણાવ્યું હતું કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શરૂ કરેલ આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ માતા અને બાળકોના આરોગ્ય તેમજ સુખાકારી માટે ગર્ભાવસ્થામાં યોગ્ય અંતરના મહત્વ અંગે સમુદાયમાં જાગૃતિ લાવવાનો છે. વધતી જતી વસ્તીથી ઉભા થતા પ્રશ્નો અંગે જાણકારી આપવા તથા કોન્ટ્રાસેપ્ટીવ યુટીલાઇઝેશન વધારવા બાબતે, લગ્ન નિયત ઉંમર બાદ કરવા, લગ્ન બાદ પ્રથમ બાળક તરત નહી, બે બાળકો વચ્ચે સુરક્ષિત અંતર અને કુટુંબના સર્વાગી વિકાસમાં નાના કુટુંબોનો ફાળો વગેરે બાબતો પર ચર્ચા કરવામાં આવશે તથા કુટુંબ નિયોજન સેવાઓ IUCD Insertion, Contraceptive injectable MPA, tubectomy, Vasectomy  જેવા વિષયો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી એ વધુ વિગતો આપતાં કહ્યુ હતું કે, કુટુંબ નિયોજન મહત્વ વિશે જન જાગૃતિ લાવવા માટે સામુદાયિક બેઠકો, કાર્યશાળાઓ અને પરીસંવાદો, ઘરે-ઘરે મુલાકાતો લઈ યોગ્ય સગર્ભાવસ્થાના અંતરના ફાયદાઓ વિશે પરિવારોને માહિતગાર કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તાલુકા કક્ષાએ સ્ત્રી નસબંધી કેમ્પ, દરેક સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓ જેવીકે આંકડી, ગર્ભ નિરોધક ઈન્જેકશન, ગોળીઓ, નિરોધ, ઈમરજન્સી પીલ્સની સેવાઓ ઉપલબ્ધ કરાશે તેથી દરેક નાગરિક આ સેવાઓનું વિના મૂલ્યે લાભ લઈ શકશે. આ ઝુંબેશ દરમિયાન જિલ્લા કક્ષાએ પંચાયતી રાજ સંસ્થાઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, શહેરી સ્થાનિક સંસ્થાઓ, સ્વ-સહાય જૂથો તથા સાસ-વહુ સંમેલનો જેવા સમુદાય આધારિત પ્લેટફોર્મ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવશે.